તંત્રની આંખો ઉઘાડવા ગંદા નાળા વચ્ચે દંપતીએ મનાવી 17મી વર્ષગાંઠ, 15 વર્ષથી ફરિયાદનો કોઈ ઉકેલ નહીં
છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં રહેતા લોકો ગંદા પાણી, રસ્તાઓ અને સફાઈના અભાવે પરેશાન છે
Image:Social Media |
Agra Couple Celebrated Anniversary In Drain : ઉત્તર પ્રદેશના આગરાથી એક દંપતીના અનોખી રીતે લગ્નની વર્ષગાંઠ ઉજવવાની ઘટના સામે આવી છે. આગરાના રહેવાસી ભગવાન શર્મા અને તેમની પત્ની ઉષા દેવીની લગ્નની 17મી વર્ષગાંઠ ખૂબ જ અનોખી રીતે ઉજવવામાં આવી હતી. બંને યુગલોએ ગંદા અને દુર્ગંધવાળી ગટરની વચ્ચે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી અને તસવીરો પણ લીધી હતી. જ્યાં તેઓએ એકબીજાને હાર પહેરાવ્યા હતા.આ દરમિયાન કોલોનીના રહેવાસીઓ બેન્ડ સાથે હાજર રહ્યા હતા. આગરાના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને જગાડવા માટે આ અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર
છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં રહેતા લોકો ગંદા પાણી, રસ્તાઓ અને સફાઈના અભાવે પરેશાન છે. સૌએ સાથે મળીને આનો વિરોધ કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. કોલોનીમાં કોઈપણનો જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈ પ્રસંગ આ ગંદા નાળાની વચ્ચે ઉજવવામાં આવશે. આ સાથે આગામી 2024ની લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે. તેમજ કોઈ પણ જનપ્રતિનિધિને તેમના વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ગંદા નાળાનું નામ ‘પુષ્પદીપ’ રાખ્યું
ભગવાન શર્માએ આ મામલે કહ્યું, “લગ્નની વર્ષગાંઠ ઉજવવા પહેલા અમે લક્ષદ્વીપ અથવા માલદીવ જવાનું વિચારી રહ્યા હતા. પરંતુ અમારા જનપ્રતિનિધિઓની બેદરકારીના કારણે અમારા વિસ્તારમાં ગટર અને ગંદા પાણીના નિકાલ માટેની જગ્યા નથી. તેથી અમારો રસ્તો ગંદા નાળામાં ફેરવાઈ ગયો છે અને અમે તેનું નામ "પુષ્પદીપ" રાખ્યું છે. આજે અમે આનો વિરોધ કરીને લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી છે.”