રેલવેમાં દોઢ લાખ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પૂર્ણ, કેન્દ્રીય મંત્રીની જાહેરાત
હવે રેલવે દ્વારા દર વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
Recruitment in Railways: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે,'રેલવે વધુ રોજગારની તક પૂરી પાડવાનું આયોજન કરી રહ્યું છે અને 1.5 લાખ જગ્યા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે આસિસ્ટન્ટ લોકો પાયલટની પસંદગી સાથે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.'
અમારું લક્ષ્ય વધુ રોજગાર આપવાનું છે: અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 'ગ્રુપ ડીમાં ટેકનિકલ અને નોન-ટેક્નિકલ કેટેગરીમાં રોજગારીની વધુ તકો હશે. બધું એકસાથે કરવાને બદલે અમારું લક્ષ્ય વધુ રોજગાર આપવાનું છે. આ સંબંધમાં વધુને વધુ લોકોને તક મળે તે માટે વાર્ષિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.'
પૂર્વ-મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર ખંડેલવાલે જણાવ્યું કે,'રેલવે દ્વારા નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે રેલવે દર વર્ષે નિયમિત ધોરણે ખાલી જગ્યાઓ બહાર પાડશે.'
રેલવેમાં દર વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
અહેવાલ અનુસાર, ભારતીય રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી દર વર્ષે સતત વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વિવિધ કેટેગરીમાં ખાલી પડેલી જગ્યાઓ વાર્ષિક ધોરણે ભરવામાં આવશે. 20મી જાન્યુઆરીથી 5,696 આસિસ્ટન્ટ લોકો પાઈલટની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે રેલવેમાં જોડાવા ઈચ્છતા યુવાનોને દર વર્ષે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાની તક મળશે. અગાઉ રેલવેમાં ભરતી દર 3-4 વર્ષમાં એકવાર યોજાતી હતી.