'નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી..' જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં
Shivraj Singh Chauhan: ગુરુવારે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ચકલાડી ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગામના લોકોએ તેમને પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. જેને ધ્યાનમાં લઈને કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને ઠપકો આપ્યો હતો.
અધિકારીઓને આપી કડક સૂચના
શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ચકલાડી ગામની મુલાકાતે આવ્યા ત્યારે ગામના લોકોએ તેમને કહ્યું કે, 'અમારા ઘરે પાણી ફક્ત 10 મિનિટ માટે જ આવે છે. જેના કારણે રોજની જરૂરિયાતો પૂરી થતી નથી.' આ અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે હાજર અધિકારીઓને કડક સૂચનાઓ આપી.
આ અંગેનો રિપોર્ટ મને સાત દિવસમાં જોઈએ: શિવરાજ સિંહ ચૌહાણ
શિવરાજ સિંહ ચૌહાણે અધિકારીઓને કહ્યું, 'નળ લગાવવાનું કે રિપેર કરવાનું મારું કામ નથી. નળ ક્યાં લગાવવા તે જોવાનું મારું કામ નથી. સરકારે પાણી માટે ટાંકી બનાવી છે અને એક લાઇન પણ આપી છે. દરેક ઘરમાં પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું તમારું કામ છે. જો પાણી ફક્ત 10 મિનિટ માટે આવે છે, તો તેને નિયંત્રિત કરો, સિસ્ટમ ઠીક કરો. મને સાત દિવસમાં આ અંગે રિપોર્ટ જોઈએ છે.'
જો કે આ પહેલી વાર નથી જ્યારે શિવરાજ સિંહે સિહોર જિલ્લામાં પાણીની સમસ્યા અંગે અધિકારીઓને ઠપકો આપ્યો હોય. અગાઉ 2021 માં પણ, શિવરાજ સિંહે તેમના વતન ગામ જૈતમાં પાણીની તંગીનું નિવારણ લાવવા માટે અધિકારીઓને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.