વિશ્વગુરુ બનવું હોય તો પહેલા ખુદમાં બદલાવ લાવો: નીતિન ગડકરીએ કોને આપી શિખામણ?
Image Source: Twitter
Nitin Gadkari: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત ઇશારામાં સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતને 'આત્મનિર્ભર ભારત', પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા અને વિશ્વગુરુ બનાવવા માટે ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ લોકોએ બીજાને સલાહ આપતાં પહેલા ખુદમાં બદલાવ લાવો જોઈએ.
સાંગલીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણના અવસર પર નીતિન ગડકરી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવારને પણ આમંત્રણ મળ્યું હતું. નીતિન ગડકરીએ કહ્યું કે, લોકો આજે પણ શિવાજી મહારાજથી પ્રેરણા લઈ શકે છે.
વિશ્વગુરુ બનવાની વાત થાય છે પરંતુ.....
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જો આપણે શિવાજીના કોઈ ગુણને જ અપનાવી લઈશું તો પણ તે આપણા સમાજ અને દેશને ખૂબ આગળ લઈ જશે. મોટા ભાગે ભારતને 'આત્મનિર્ભર ભારત', પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા અને વિશ્વગુરુ બનાવવાની વાતો થતી હોય છે. પરંતુ જો આપણે આ બધુ હકીકતમાં કરવા માગીએ છીએ તો આપણે ખુદમાં બદલાવ લાવવો પડશે.
નામ લીધા વિના કોના તરફ કર્યો ઇશારો?
નીતિન ગડકરીએ આગળ કહ્યું કે, બીજાને બદલવા માટે કહેવું સરળ છે પરંતુ કોઈ વ્યક્તિએ બીજાને સલાહ આપતાં પહેલા બદલાવની શરુઆત ખુદથી કરવી પડશે. હવે તેમનો ઇશારો કોના તરફ હતો તે અંગે ન તો તેમણે કોઈ વ્યક્તિનું નામ લીધું કે ન તો કોઈ માહિતી આપી.
લોકસભા ચૂંટણીનો કર્યો ઉલ્લેખ
ગડકરીએ કહ્યું કે જાતિ, પૈસા અને અપરાધ રાજકારણમાં સૌથી મોટા તત્ત્વો બની ગયા છે. 'રાજકારણને શુદ્ધ કરવા માટે નેતાઓએ શિવાજી મહારાજના સિદ્ધાંતોનું પાલન કરવું પડશે અને સમાજના હિત માટે તેમના સુશાસનના વિચારને અપનાવવા પડશે.' તેમણે એમ પણ કહ્યું કે જ્યારે હું લોકસભાની ચૂંટણી લડ્યો હતો ત્યારે એ સ્પષ્ટ કર્યુ હતું કે જો મને મત ન મળે તો પણ હું જાતિ આધારિત રાજકારણમાં સામેલ થઈશ નહીં.