ડીઝલ કાર બનાવવાનું બંધ કરો નહીંતર એટલો ટેક્સ લગાડીશું કે...: નીતિન ગડકરીએ કંપનીઓને કેમ આપી ચેતવણી?
Nitin Gadkari on Diesel Car: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CIIના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની પણ અપીલ કરી હતી.
ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ ના કર્યું તો...
નીતિન ગડકરી ઈંધણથી થતા પ્રદુષણ અને તેની આયાત ઓછી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'જો ડીઝલ વાહનોનું ઉત્પાદન જલ્દી બંધ કરવામાં નહીં આવે તો હું આ વાહનો પર એટલો ટેક્સ લગાવીશ કે વાહન વેચવું મુશ્કેલ થઈ જશે. આપણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોને છોડીને પ્રદુષણ મુક્ત થવા માટે નવો રસ્તો અપનાવવો પડશે. હું નાણામંત્રી પાસે ડીઝલ વાહનો પર 10 ટકા વધારાના GSTની માંગ કરીશ.'
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વાપરે છે ઇકો ફ્રેન્ડલી કાર
નીતિન ગડકરીએ પોતાની કાર વિષે જણાવ્યું હતું કે, મારી કાર ઇથેનોલથી ચાલે છે. જો તમે આ કારની પેટ્રોલ સાથે સરખામણી કરો તો તેની કિંમત 25 રૂપિયા પ્રતિ કિમી છે, જ્યારે ઇથેનોલની કિંમત તેનાથી પણ ઓછી છે. એક લિટર ઇથેનોલની કિંમત 60 રૂપિયા છે, જ્યારે પેટ્રોલની કિંમત 120 રૂપિયાથી વધુ છે. નીતિન ગડકરીએ કહ્યું કે આજના સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને બસ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.