‘રાહુલ ગાંધી કૉમેડી કિંગ, ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે’ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાધ્યું નિશાન
Dharmendra Pradhan Attack On Rahul Gandhi : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘કૉમેડી કિંગ’ કહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ હંમેશા ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે. પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘રાહુલ ગાંધી તે જ કરી રહ્યા છે, જે સૌથી બેસ્ટ હોય છે - સ્ટેન્ડ-અપ કૉમેડી! તેમના દુર્ભાવનાપૂર્ણ દાવાઓ અને ચિત્તભ્રમ દર વખતે તપાસ હેઠળ દબાઈ જાય છે. તેઓ મોહરાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. તેઓ ફરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેમ છતાં તેમની ખોટી માહિતી ભારતના લોકો પર અસર કરી રહી નથી.’
રાહુલે સંસદ પરિસરમાં દેખાવો કરતા ધર્મેન્દ્ર પ્રધાને સાધ્યું નિશાન
ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં કહ્યું કે, ‘2014 પછીની ચૂંટણીના પરિણામો, એ બાબતનો સ્પષ્ટ પુરાવો છે કે, તેમના વાસી-નક્કામાં પ્રચારને ખરીદનાર કોઈ નથી. આવા પ્રકારનું અનાડી રીતે તૈયાર કરાયેલું હિટ કામ કૉમેડી કિંગ દ્વારા ચર્ચામાં રહેવાનો વધુ એક નિરાશાજનક પ્રયાસ છે.’
રાહુલે મોદી-અદાણીના માસ્ક પહેરી વિરોધ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, રાહુલે વિપક્ષી દળોના નેતાઓ સાથે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ પ્રધાને રાહુલ ગાંધી પર આ પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના માસ્ક પહેરીને કોંગ્રેસના સભ્યો સાથે આ મુદ્દે નકલી ઇન્ટરવ્યુ પણ કર્યો હતો. રાહુલે અદાણીનું માસ્ક પહેરી કોંગ્રેસના સભ્યોને પૂછ્યું કે, ‘સંસદ કેમ ચાલવા નથી દેવામાં આવી?, આ મુદ્દે કોંગ્રેસ સાંસદે (પોતાને અદાણી દર્શાતા) કહ્યું કે, ‘અમારે અમિતભાઈને પૂછવું પડશે... તે વ્યક્તિ ગાયબ છે.’