ચૂંટણી બોન્ડ છાપવાનો, કમિશનનો, સરકારી મશીન સહિતનો ખર્ચ કોના માથે નખાયો? RTIમાં થયો ખુલાસો
Election Bond Expenses RTI : કેન્દ્ર સરકારે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમના સંચાલન પર કરદાતાઓના 14 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો માહિતી અધિકાર (RTI)માં ખુલાસો થયો છે. આરટીઆઈ કાર્યકર્તા કમોડોર (સેવાનિવૃત્ત) લોકેશ બત્રાએ કરેલી અરજીના જવાબમાં બહાર આવેલા ડેટા મુજબ, ચૂંટણી બોન્ડના પ્રિન્ટિંગ અને મેનેજમેન્ટ પર કરદાતાઓના નાણાં ચૂકવવામાં આવ્યા છે અને આ માટે કેન્દ્ર સરકારે લગભગ 14 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ચૂંટણી બોન્ડના વેચાણ પર કમિશન પેટે 12 કરોડથી વધુનો ખર્ચ
રિપોર્ટ અનુસાર કુલ 30 તબક્કામાં ચૂંટણી બોન્ડના વેચાણ પર કમિશન તરીકે 12,04,59,043 રૂપિયા ખર્ચ કરાયો, જ્યારે બોન્ડની પ્રિન્ટિંગનો ખર્ચ (Printing Costs) 1,93,73,604 રૂપિયા હતો. કમિશનનો અર્થ ભારતીય સ્ટેટ બેંક (SBI) દ્વારા ચૂંટણી બોન્ડની વેચાણ કામગીરી અને સંચાલનની કામગીરી પર લેવાતી ફીના સંદર્ભમાં અપાયો છે. આર્થિક બાબતોના વિભાગના RTI જવાબમાં જણાવાયું છે કે, ‘માસ્ક-ઈ-પ્રિન્ટ સલામતી ચકાસવા માટેના સાધનો’ પર વધારાના 6720 રૂપિયા ખર્ચાયા છે.
કેટલી રકમના કેટલા બોન્ડ છાપવામાં આવ્યા ?
બોન્ડ્સની પ્રિન્ટીંગની જવાબદારી નિભાવતી નાસિક સ્થિત ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસે રૂપિયા 1000, 10000, એક લાખ, 10 લાખ અને એક કરોડના મૂલ્યોમાં છપાયેલા બોન્ડની સંખ્યા પણ જાહેર કરી છે. રૂપિયા 1000 મૂલ્યના 2,65,000, રૂપિયા 10,000 મૂલ્યના 2,65,000, રૂપિયા એક લાખના મૂલ્યના 93,000, રૂપિયા 10 લાખના મૂલ્યના 26,000 અને રૂપિયા એક કરોડના મુલ્યના 33,000 બોન્ડ છાપવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આ બોન્ડના પ્રિન્ટિંગ અને મેનેજમેન્ટનો ખર્ચ દાન આપનારાઓ કે લેનારાઓ દ્વારા નહીં, પરંતુ સરકાર અને કરદાતા (Taxpayer)ઓ દ્વારા ઉઠાવવામાં આવે છે.
બોન્ડની પ્રિન્ટિંગનો ખર્ચ પણ કરદાતાઓના નાણાંથી
બત્રાએ કહ્યું કે, ‘ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમની વિડંબના એવી છે કે બોન્ડ ખરીદનારા દાતાઓએ SBIને કોઈપણ સર્વિસ ચાર્જ (કમિશન) ચૂકવવાનો અને ચૂંટણી બોન્ડની પ્રિન્ટિંગનો ખર્ચ ચુકવવાની જરૂર નથી. આ ખર્ચને સરકાર અથવા કરદાતા ચૂકવે છે. આ ઉપરાંત રાજકીય પક્ષોને જે કરમુક્ત લાભો માટે, ચૂંટણી બોન્ડ યોજનાના સંચાલન માટે સરકારી મશીનરી અને કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની પાછળ પણ મોટી રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો અને તે માટે પણ કરદાતાઓના નાણાંનો ઉપયોગ થયો હતો.
ચૂંટણી બોન્ડ પર કેન્દ્ર-રાજ્યની છ ટકા GST
બત્રા દ્વારા અગાઉ દાખલ કરાયેલી અન્ય RTIમાં પણ ખુલાસો થયો હતો કે, નરેન્દ્ર મોદી સરકારે 2024માં જ રૂપિયા એક કરોડના મૂલ્યના 8,350 ઈલેક્ટોરલ બોન્ડ છાપ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023માં યોજનાની બંધારણીયતા પર પોતાનો ચુકાદો અનામત રાખી દીધો હતો. મીડિયા રિપોર્ટ મુજબ એક ચૂંટણી બોન્ડ છાપવાની ખર્ચ 25 રૂપિયા થાય છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને 6 ટકાનો વધારાનો જીએસટી લગાવે છે.
ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી. તેને ગેરબંધારણીય અને મતદારોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન ગણાવતા કોર્ટે એસબીઆઈને બોન્ડની વિગતો ચૂંટણી પંચને સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.