'જો તમારી પાસે નોકરી જ નથી તો શું...' 12 લાખની આવક કરમુક્તિ અંગે દિગ્ગજ નેતાનો કટાક્ષ
Budget 2025: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે એનડીએ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26ના વખાણ કરવાની સાથે ટીકા પણ કરી છે. તેમણે બજેટમાં રૂ. 12 લાખની આવક ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય આવકાર્યો છે. જો કે, સાથે સાથે સવાલ પણ પૂછ્યો હતો કે, જેમની પાસે રોજગારી નથી, તેમના માટે બજેટમાં શું છે?
શશિ થરૂરે જણાવ્યું હતું કે, 'મધ્યમ વર્ગ માટે ટેક્સમાં ઘટાડો સારી બાબત હોઈ શકે છે. જો તમારી પાસે નોકરી અને પગાર છે, તો તમારે હવેથી ઓછો ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે જો અમારી પાસે નોકરી ન હોય, પગાર ન હોય તો શું?’
બેરોજગારો માટે બજેટમાં શું?
વધુમાં થરૂરે કહ્યું હતું કે, ‘હું માનું છું કે જો તમારી પાસે નોકરી હોય અને તમારો પગાર 12 લાખ રૂપિયા સુધી હોય તો તમારે ખુશ થવું જોઈએ. પરંતુ બેરોજગારો માટે બજેટમાં શું હતું? અમે એક વખત પણ નાણામંત્રીના મોઢેથી બેરોજગારી અને મોંઘવારી દર જેવા શબ્દો સાંભળ્યા નથી.
સાથી પક્ષોને લ્હાણી
તેમણે ભાજપ પર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ તૈયાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. થરૂરે કહ્યું કે જો તમે બિહારમાં રહો છો અને તમે સાથી પક્ષમાંથી છો, તો ચોક્કસપણે તમને એવી સુવિધાઓ મળશે જેનો તમને ચૂંટણીમાં ફાયદો થશે.
12 સુધીની આવક કરમુક્ત
આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ આપી છે. તેણે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી કરી છે. નોકરી કરતા લોકો માટે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા છે. તેમને 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. આ રાહત નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવી છે. જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓ માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ પણ, જો તમારી વાર્ષિક આવક રૂ. 12.80 લાખથી પણ વધે છે, તો તમારે સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે તમારે 4 થી 8 લાખ રૂપિયાની વચ્ચે 5% અને 8 થી 12 લાખ રૂપિયાની વચ્ચે 10% ટેક્સ ચૂકવવો પડશે.