Budget 2024: ભારત થશે સંરક્ષણ ક્ષેત્ર મજબૂત, જાણો બજેટમાં નિર્મલા સીતારમણે કરી કઈ જાહેરાત?
Defense Sector Provision in Union Budget 2024 : કેન્દ્રીય મંત્રી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આજે સંસદમાં રજુ કરાયેલા બજેટ-2024માં સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવામાં આવ્યું છે. અગાઉના બજેટમાં સંરક્ષણ માટે 5.93 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, તો આ વખતે તેમાં 3.4 ટકાનો વધારો કરી 6.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કુલ બજેટમાંથી સૌથી વધુ લગભગ 12.9 ટકાની ફાળવણી સંરક્ષણ માટે કરાઈ છે.
સંરક્ષણ બજેટના ચાર પાર્ટ, જાણો ક્યાં કેટલી ફાળવણી કરાઈ?
સંરક્ષણને ફાળવાયેલા બજેટના ચાર ભાગ છે, તેમાં પ્રથમ સિવિલ, બીજો રેવેન્યુ, ત્રીજો કેપિટલ એક્સપેન્ડીચર અને ચોથામાં પેન્શનનો સમાવેશ થાય છે.
1... સિવિલ દ્વારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, ટ્રિબ્યૂનલ સહિત રસ્તા તેમજ અન્ય ડેવલપમેન્ટના કામ થાય છે. તેમાં 25,963 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.
2... સંરક્ષણ ક્ષેત્રના રેવન્યુ બજેટમાં પગારનો સમાવેશ થાય છે. આ માટે 82.772 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
3... કેપિટલ એક્સપેન્ડીચર હેઠળ હથિયારો અને જરૂરી સાધનસામગ્રી ખરીદવામાં આવે છે, જેમાં 1 લાખ 72 હજાર રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
4... ચોથા ભાગમાં પેન્શનનો ઉલ્લેખ કરાયો છે, જેમાં 1 લાખ 41 હજાર 205 કરોડ રૂપિયા ફાળવાયા છે.
આપણી સેનાઓ આવી રીતે થશે મજબૂત?
કોઈપણ દેશની સૌથી મોટી તાકાત હથિયારો, ફાઈટર પ્લેન અને દારુગોળો હોય છે. કેન્દ્ર સરકારે સંરક્ષણમાં હથિયારો અને સાધનસામગ્રી ખરીદવા માટે 1 લાખ 72 હજાર રૂપિયાની ફાળવણી કરી છે. આ નાણાંથી એરક્રાફ્ટ અને એરોએન્જિન સાધનો ખરીદવામાં આવશે. આ ઉપરાંત હેવી અને મીડિયા વ્હીકલ, અન્ય હથિયારો અને દારુગોળો પણ ખરીદવામાં આવશે. સેનાને અન્ય ટેકનિકલ ઉપકરણોથી પણ સજ્જ કરવામાં આવશે. સેના માટે સ્પેશિયલ રેલવે વેગન ખરીદવામાં આવશે. બજેટમાં કરાયેલી જોગવાઈથી નૌકાના કાફલોને મજબૂત કરાશે, નેવલ ડૉકયાર્ડ પ્રોજેક્ટ શરૂ કરાશે. એરફોર્સ માટે પણ એરક્રાફ્ટ, હેવી વ્હીકલ અને અન્ય સાધનો ખરીદવાની યોજના છે.
સેનાને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી જોગવાઈ કરાઈ
સંરક્ષણ બજેટથી સેનાને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે. આમાં ત્રણેય સેનાઓ માયે હથિયારો અને સાધનસામગ્રીનું નિર્માણ કરવા માટે ઘણા પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે. સરકાર જાહેર સાહસોમાં પણ રોકાણ કરવા માટે તૈયાર છે. આ પહેલા વચગાળાના બજેટમાં નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે, સંરક્ષણ સેક્ટરને ડીપ ટેક ટેકનોલોજીથી મજબૂત કરવામાં આવશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. આ ઉપરાંત રોબોટિક્સ, મશીન લર્નિંગ અને ક્વોન્ટમ કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં સંશોધન પણ કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રીએ નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો
બજેટ રજુ થયા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) નાણાંમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સંરક્ષણ મંત્રાલયને સૌથી વધુ 12.9 ટકા બજેટ ફાળવવા બદલ આભાર... મને ખુશી છે કે, અગાઉના બજેટની સરખામણીમાં સરહદી રસ્તાઓના ડેવલપમેન્ટની મદદ કરવા માટે ફાળવણીમાં 30 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને 6500 કરોડ રૂપિયાની ફાળવણી કરાતા આપણું બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે.’
આ પણ વાંચો
• બજેટમાં મોદી સરકારના 'ટેકેદારો' માટે મોટી જાહેરાત, આંધ્રપ્રદેશ-બિહાર પર પૈસા-પ્રોજેક્ટનો વરસાદ
• બજેટ-2024માં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબો માટે મહત્ત્વની જાહેરાત
• બજેટ અંગે વિપક્ષની આકરી પ્રતિક્રિયા; જુઓ રાહુલ ગાંધી, અખિલેશ, થરૂર સહિતના દિગ્ગ્જો શું બોલ્યા
• ‘બજેટ જોઈને મજા પડી ગઈ...’, જાણો કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કેમ આપી આવી પ્રતિક્રિયા
• બજેટ અંગે વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, કહ્યું- ‘બજેટથી યુવાઓ-મધ્યમ વર્ગને મળશે નવી શક્તિ’