તમામ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે : અમિત શાહ
- કોંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા 50 ટકાની લિમિટ તોડવા માગે છે : ગૃહ મંત્રી
- ગાંધી-નેહરુ પરિવાર કોંગ્રેસ જ નહીં બંધારણને પણ પોતાની ખાનગી જાગીર માને છે, સત્તામાં રહેવા તેમાં સુધારા કર્યા
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં કોંગ્રેસને બંધારણ મુદ્દે આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દેશના બંધારણને એક પરિવારની ખાનગી જાગીર માને છે, અને સત્તામાં રહેવા માટે તેમાં અનેક વખત સુધારા કર્યા છે. બંધારણના ૭૫ વર્ષ પર સંસદમાં ચર્ચા દરમિયાન અમિત શાહે આ નિવેદન આપ્યું હતું. આ સાથે જ તેમણે રાહુલ ગાંધીની ઉંમર પર કટાક્ષ કરીને સવાલો ઉઠાવ્યા હતા.
અમિત શાહે દાવો કર્યો હતો કે કોંગ્રેસ મુસ્લિમોને અનામત આપવા માટે અનામતના ૫૦ ટકાના કોટાની મર્યાદાને તોડવા માગે છે. સાથે જ સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસ મુસ્લિમ પર્સનલ લોમાં વિશ્વાસ ધરાવે છે? કોંગ્રેસે ક્યારેય પણ પછાત વર્ગ માટે કામ નથી કર્યું. અમિત શાહે અન્ય એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવી છે અને સમગ્ર દેશના તમામ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે છેલ્લા ૭૫ વર્ષથી કોંગ્રેસ બંધારણના નામે છળકપટ કરી રહી છે. ગાંધી અને નેહરુ પરિવાર કોંગ્રેસને જ નહીં બંધારણને પણ પોતાની ખાનગી જાગીર માને છે. કોંગ્રેસે પક્ષ શાસિત બે રાજ્યોમાં ધર્મ આધારિત અનામતનો અમલ કર્યો છે અને મુસ્લિમોને અનામત આપી છે જે ગેરબંધારણીય છે. બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધર્મના આધારે અનામત ના આપી શકાય. કોંગ્રેસ ઓબીસીની સુખાકારી માટે કામ કરવા નથી માગતી. અને તેથી જ અનામતની ૫૦ ટકા લિમિટ તોડીને મુસ્લિમોને અનામત આપવા માગે છે. પરંતુ જ્યાં સુધી આ સંસદમાં એક પણ ભાજપનો સાંસદ રહેશે ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવા નહીં દઇએ.