ઉત્તરાખંડમાં ટુંક સમયમાં લાગૂ થઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ, વિશેષ સત્ર બોલાવવાની તૈયારી
Image Source: Twitter
- ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાના સમર્થનમાં રહી છે
ઉત્તરાખંડ, તા. 11 નવેમ્બર 2023, શનિવાર
Uttarakhand Uniform Civil Code: ઉત્તરાખંડ (Uttarakhand)માં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા તેને લઈને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રંજના દેસાઈના નેતૃત્વમાં બનેલી સમિતિ આગામી એક કે બે દિવસમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)ને રિપોર્ટ સોંપી શકે છે. તેને લઈને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દિવાળી બાદ ધામી સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે અને ત્યારબાદ આ રિપોર્ટને વિધાનભવનમાં રાખવામાં આવશે અને પછી તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. જો એવું થયું તો ઉત્તરાખંડ દેશનું પ્રથમ એવું રાજ્ય બની જશે જ્યાં કોમન સિવિલ કોડ લાગુ થશે.
ઉત્તરાખંડમાં લાગુ થશે UCC!
ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાના સમર્થનમાં રહી છે. ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પુષ્કર ધામીએ એલાન કર્યું હતું કે, જો રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર આવશે તો તેઓ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. ચૂંટણીમાં જીત બાદ ધામી સરકારે 27 મે 2022ના રોજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેમાં ચાર સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા. બાદમાં સભ્ય સચિવને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ અત્યાર સુધીમાં ત્રણ વખત લંબાવવામાં આવી ચૂક્યો છે.
બીજેપીની આ છે રણનીતિ?
લોકસભા ચૂંટણી પહેલા બીજેપી ફરી એક વખત યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દાને ઉઠાવવા માંગે છે. જો ઉત્તરાખંડમાં આ કાયદો લાગુ થઈ જાય તો બીજેપી તેને કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોની ઉપલબ્ધિ તરીકે ઉપયોગ કરશે. UCCનો રિપોર્ટ મળ્યા બાદ ધામી સરકાર તેને ગૃહમાં રજૂ કરવા પહેલા કાયદાકીય નિષ્ણાતોની રાય પણ લઈ શકે છે જેથી કરીને તેને લાગુ કરતી વખતે કોઈ મુશ્કેલી ઊભી ન થાય.
કોમન સિવિલ કોડમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવી શકે છે. તે અંતર્ગત હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અથવા કોઈપણ ધર્મની મહિલાઓને તેમના પરિવાર અને માતા-પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળશે. બાજી તરફ છોકરીઓની લગ્નની ઉંમર પણ એકવીસ વર્ષ સુધી વધારી શકાય છે.