‘UPSમાં U અર્થાત મોદી સરકારનો યુ-ટર્ન’, કોંગ્રેસે સરકારને નવી પેન્શન સ્કીમ મુદ્દે આડે હાથ લીધી
Congress Jibe On Government's UPS Announcements: કોંગ્રેસે રવિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે કહ્યું કે યુપીએસમાં યુ એટલે મોદી સરકારનો યુ-ટર્ન. કેન્દ્ર સરકારે શનિવારે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કર્યા પછી વિપક્ષે આકરા પ્રહાર શરૂ કર્યા છે. કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે અને તેનાથી 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. પહેલી જાન્યુઆરી, 2004 પછી સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને યુપીએસ યોજનાનો લાભ મળશે. યુપીએસ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કર્મચારીઓને પગારના 50 ટકા જેટલું પેન્શન મળે.
'સત્તાના ઘમંડ પર જનતાની શક્તિ ભારે પડી'
સરકારી કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓને પૂર્ણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)ને મંજૂરી આપી હતી, જે પેન્શનની ખાતરી આપે છે. યુપીએસ અંગે સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, યુપીએસમાં 'યુ' એટલે મોદી સરકારનો યુ-ટર્ન! 4 જૂન બાદ વડાપ્રધાનનું સત્તાનું ગુમાન ઉતરી ગયું છે. પ્રજાની તાકાતે તેમના ઘમંડને ચકનાચૂર કરી દીધો છે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થયા હતાં. જેમાં ભાજપનું 400 બેઠકોથી વધુ જીતવાનું સપનું તૂટી ગયું હતું. ખડગેએ કહ્યું કે, 'બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ/ઇન્ડેક્સમાં પીછેહઠ, વક્ફ બિલ પણ જેપીસીને મોકલવું પડ્યું, બ્રોડકાસ્ટિંગ બિલ પાછું ખેંચ્યું અને યુપીએસસીમાં પણ લેટરલ એન્ટ્રી પાછી ખેંચી, જે તેનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાંચોઃ UPS: સરકારની નવી પેન્શન યોજનામાં આ બાબત ધ્યાનમાં રાખજો, નહીં તો લાભ નહીં મળે
'લોકોને આપખુદ સરકારથી બચાવશે'
કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી લખ્યું છે કે 'અમે જવાબદારી સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખીશું અને 140 કરોડ ભારતીયોને આ આપખુદ સરકારથી બચાવીશું!' તમને જણાવી દઈએ કે નવી પેન્શન સ્કીમ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પછી નિવૃત્તિ વખતે દર મહિને 10,000 રૂપિયાના લઘુતમ પેન્શનની ખાતરી આપે છે. UPSને કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે અને જો રાજ્ય સરકારો પણ UPS લાગુ કરશે, તો આ યોજનાનો લાભ લેનારા કર્મચારીઓની સંખ્યા વધીને 90 લાખ થઈ જશે.
યુપીએસમાં તમને ઘણા ફાયદા મળશે
યુપીએસની જાહેરાત કરતાં, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, તેના જીવનસાથીને ખાતરીપૂર્વકનું કુટુંબ પેન્શન આપવામાં આવશે. આ સિવાય પેન્શન પર મોંઘવારી રાહત પણ મળશે, જેની ગણતરી મોંઘવારી પ્રમાણે સમયાંતરે કરાશે. યુપીએસમાં કર્મચારીઓનું યોગદાન 10 ટકા અને સરકારનું યોગદાન 18.5 ટકા રહેશે. ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ઘણા વિપક્ષ શાસિત રાજ્યોમાં લાગુ કરાઈ છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મુદ્દો લોકસભા ચૂંટણીમાં પણ ચર્ચાનો વિષય હતો. આ જ કારણસર લોકોની નારાજગીને જોતા સરકારે NPSને બદલે UPS લાગુ કરવાનો નિર્ણય લીધો છે. OPS નાણાકીય રીતે ટકાઉ નથી કારણ કે તેમાં ખાસ યોગદાન મળતું નથી અને સરકારની તિજોરી પર પણ બોજ સાબિત થાય છે.