UPSને મંજૂરી બાદ સરકારી કર્મચારીઓને હવે કેટલું પેન્શન મળશે? જાણો સરકારની યોજના
Unified Pension Scheme : ભારતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમની માંગ સાથે અનેક વાર આંદોલન કરવામાં આવ્યા છે. એવામાં કેન્દ્રની NDA સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ (NPS)ની જગ્યાએ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લોન્ચ કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
25 વર્ષ સુધી નોકરી કરનારને મળશે પૂરી પેન્શન
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પેન્શન યોજનાને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ સરકારના કુલ 23 લાખ કર્મચારીઓને લાભ મળશે. યુનિફાઇડ પેન્શન યોજના પ્રમાણે જે કર્મચારી 25 વર્ષ સુધી કામ કરશે તેને આખી પેન્શન મળશે. સરકારે પહેલી એપ્રિલ 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
મોત થાય તો પત્નીને કેટલું પેન્શન મળશે?
આટલું જ નહીં જો ચાલુ નોકરીએ કર્મચારીનું મોત થઈ જાય છે તો પત્નીને 60 ટકા પેન્શન આપવામાં આવશે. 10 વર્ષ સર્વિસ આપનાર કર્મચારીને 10 હજાર રૂપિયા પેન્શન મળશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિવિધ રાજ્ય સરકારો પણ આ યોજના લાગુ કરી શકે છે.
પેન્શન મળશે કેટલું?
યુનિફાઇડ પેન્શન યોજના પ્રમાણે 25 વર્ષ સુધી નોકરી કરનાર કર્મચારી પૂર્ણ પેન્શન મેળવવાનો અધિકાર ગણાશે. જે તે કર્મચારીની નોકરીના છેલ્લા 12 મહિનામાં જે વેતન મળતું હશે તેના 50 ટકા રિટાયરમેન્ટ બાદ પેન્શન રૂપે આપવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ પેન્શનભોગીનું નિધન થાય છે તો મૃત્યુ સમયે મળતા પેન્શનનું 60 ટકા તેમના પરિવારને મળશે.
NPSના કર્મચારીઓને UPSનો વિકલ્પ
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર NPS (ન્યૂ પેન્શન સ્કીમ)ના કર્મચારીઓને UPS ( યુનિફાઇડ પેન્શન સ્કીમ ) માં જવાનો વિકલ્પ આપવામાં આવશે. જે કર્મચારી 2004 પછી રિટાયર થયા છે તેમને પણ UPSનું વિકલ્પ આપવામાં આવશે.