દેશમાં અભૂતપૂર્વ બેકારી વધી ગઈ છે વિપક્ષોએ વચગાળાનાં બજેટની કાઢેલી ઝાટકણી

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
દેશમાં અભૂતપૂર્વ બેકારી વધી ગઈ છે વિપક્ષોએ વચગાળાનાં બજેટની કાઢેલી ઝાટકણી 1 - image


- દેશમાં ગરીબીમાં પણ વધારો થયો છે

- GDP માં, G એટલે ગવર્નમેન્ટસ, ઇન્ટ્રુઝન, D ડેમોગ્રાફિક બિટ્રેયલ P પ્રોવર્ટી GDPનું અસામાન્ય અર્થઘટન કરતાં શશી થરૂરના સરકાર પર પ્રહારો

નવીદિલ્હી : અંતરિમ બજેટ અંગે શરૂ થયેલી ચર્ચામાં ભાગ લેતાં દેશના અગ્રીમ વિરોધ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મોદી સરકારની અનેકવિધ મુદ્દાઓ ઉપર ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે, આ બજેટમાં સતત વધી રહેલી બેકારી, મોંઘવારી દેશનાં વધી રહેલાં દેવાં અને વ્યાપક ગરીબીનો ઉકેલ લાવવા માટે કોઈ ઉલ્લેખ જ કરાયો નથી.

૨૦૨૪-૨૫નાં બજેટ ઉપરની ચર્ચાનો પ્રારંભ કરતાં ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું હતું કે : ''સરકાર બધી વાતો કરે છે, પરંતુ કોઈ પગલાં તો લેતી નથી.'' તેને જ્યારે પૂછવામાં આવે છે, ત્યારે એક જ જવાબ મળે છે નો ડેટા અવેલેબલ એટલે એનડીએનો અર્થ જ ડેટા અવેલેબલ નથી તેવા છે.

આ અંદાજપત્ર રજૂ કરતાં મેઘાવીની વિત્ત મંત્રી નિર્મલા સીતારામને જીડીપીનું અર્થઘટન કરતાં કહ્યું હતું કે, ગવર્નન્સ, ડેવલપમેન્ટ અને પરફોર્મન્સ તે છે.

આથી તદ્દન વિરોધાભાસી અર્થઘટન કરતાં ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું : જી એટલેગવર્નમેન્ટસ ઇન્ટ્રુઝન એન્ડ ટેક્ષ ટેરરીઝમ, ડી એટલે ડેમોગ્રાફિક બિટ્રેયલ (લોકો સાથે દગાખોરી) અને પી પોવર્ટી (ગરીબી).

આ સાથે ગૃહમાં હાસ્યનું મોજું ફેલાયું હતું અને વિપક્ષોએ પાટલીઓ ઉપર હાથ પછાડી શશી થરૂરનાં તે વિધાનોને પુષ્ટિ આપી હતી. તેઓએ વધુમાં કહ્યું કે હવે દેશમાં નવી જ્ઞાાતિઓ ઉભી થઈ છે. તે છે ગરીબી, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો. આ ચારેય જૂથો દેશમાં ઓછામાં ઓછું પ્રદાન કરી શક્યાં છે. પછી તે સામાજિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય. તે તમામ ક્ષેત્રે તેઓ પ્રદાન સૌથી કનિષ્ટ (ખરાબી) રહ્યું છે. બેકારીનાં અભૂતપૂર્વ સ્તરે આપણા યુવાનો પાસેથી ઉજ્જવળ ભવિષ્યની સંભાવના જ છીનવી લીધી છે.

આ ચર્ચામાં ભાગ લેતાં શરદ પવારનાં પુત્રી અને ફાયર બ્રાન્ડ નેતા સુપ્રિયા સૂળેએ વિત્ત મંત્રી નિર્મલા સીતારામનને, ઇન્દિરા ગાંધી પછી સૌથી પહેલાં વિત્ત મંત્રી  થવા માટે અને અંદાજપત્ર રજૂ કરવા માટે અભિનંદનો આપ્યાં. પછી જેમ ફૂંક મારતાં અંગારા ઉપરની રાખ ઉડી જતાં જ્વાળા ભભૂકી ઉઠે તેમ સુપ્રિયાનાં પ્રિયવચનો પછી આગ ઝરતો વાક્પ્રવાહ શરૂ થયો. તેઓએ આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ અને તેની વર્કફોર્ષ (કામદાર વર્ગ) ઉપર થતી અસર અંગે બોલતાં કહ્યું, આ નવી ટેકનોલોજીને લીધે રોજગારી ઉપર શી અસર થવાની છે, તેનો સરકાર પાસે કોઈ અંદાજ છે ? અને જો હોય તો તે અસર દૂર કરવાની કોઈ યોજના છે ખરી ? તેઓએ ડુંગળીની નિકાસ પર સરકારે મુકેલા પ્રતિબંધની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભારત સરકારને ખેડૂતો પ્રત્યે પ્રેમ જ નથી.

કોંગ્રેસના અગ્રીમ નેતા અને સાંસદ મનીષ તિવારીએ ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે દેશનું દેવું ૩ ગણું વધી ગયું છે. આર્થિક વિકાસ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એકત્રિત કરેલા ટેક્ષને લીધે નથી થયો, પરંતુ તમે જે દેવું વધાર્યું છે તેને તે જીડીપી ગ્રોથ દર્શાવે છે. તમારું અર્થતંત્ર દોઢગણું વધ્યું છે. પરંતુ દેવું ૩ ગણું વધ્યું છે. આ શું સારાં અર્થતંત્રનો નિર્દેશ કરે છે ? આપણે તે વિષે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈશે.

આનો જવાબ આપતાં ભાજપના સાંસદ અને વિત્ત તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના પૂર્વમંત્રી જયંત સિંહાએ કહ્યું હતું કે શશી થરૂર અને સુપ્રિયા સૂળેએ માત્ર વીણેલા જ મુદ્દાઓ રજૂ કર્યા છે. પરંતુ જાતિ-આયોગે ગરીબી (નાબૂદી) અંગે લીધેલાં બહુઆયામી પગલાંઓનો ઉલ્લેખ જ કર્યો નથી. તેમણે તે કાર્યવાહીને સંપૂર્ણ રીતે એક તરફ જ મુકી દીધી છે.


Google NewsGoogle News