‘તમે કંપનીના માલિક છો, 250 કરોડનું ટર્નઓવર છે...’ બેરોજગાર યુવકના ઘરે GST ટીમ પહોંચતા જ ઝડપાયું કૌભાંડ
Image:Freepik
Uttar Pradesh GST froud : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં GST વિભાગના કર્મચારીઓ યુવકના ઘરે પહોંચીને તેને કહ્યું કે, તેના નામે એક કંપની ચાલી રહી છે. તે કંપનીમાં આશરે રૂ. 250 કરોડના GST ઈ-બિલિંગ વ્યવહારો થયા છે. આ સાંભળીને યુવકના હોશ ઉડી ગયા હતા.
શું છે સમગ્ર મામલો?
રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના બડસુ ગામમાં રહેતા એક બેરોજગાર યુવક અશ્વની કુમારને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર કોલ આવ્યો હતો. કોલ પર નોકરીનો ઉલ્લેખ હતો. નોકરીની લાલચના કારણે અશ્વનીએ તેની પાસેથી માંગેલા દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. અશ્વનીનું કહેવું છે કે, તેણે દસ્તાવેજો સાથે 1750 રૂપિયા મોકલ્યા હતા, પરંતુ તેને નોકરી તો મળી નહી.
હવે, અશ્વનીના નામે નકલી કંપની અને બેંક એકાઉન્ટ ખોલીને લગભગ રૂ. 250 કરોડની જીએસટીની ઈ-વે બિલિંગ છેતરપિંડી કરવામાં આવી છે.
આ અંગે અધિકારીઓનું કહેવું છે કે આ મામલે GST વિભાગ સાથે મળીને આગોતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એસપી ગ્રામીણ આદિત્ય બંસલે કહ્યું કે, આ રકમ કોઈ વ્યક્તિના ખાતામાં નથી આવી. રતનપુરીના રહેવાસી અશ્વની કુમારના દસ્તાવેજો તેમને નોકરી અપાવવાના બહાને લઈ ગયા હતા અને તે દસ્તાવેજોના આધારે નકલી કંપની અને નકલી બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જેના કારણે જીએસટીના ઈ-વે બિલિંગ ફ્રોડ કરવામાં આવ્યુ છે. તેમાંથી લગભગ 250 કરોડ રૂપિયાનું નકલી ઈ-વે બિલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ અંગે જીએસટી વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે મળીને આગોતરા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પીડિત યુવક અશ્વની કુમારે જણાવ્યું કે, મને વોટ્સએપ પર નોકરી માટે કોલ આવ્યો હતો. મારી પાસેથી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા, જેમાં મારા ઘરનું વીજળીનું બિલ અને પિતાનું આધાર કાર્ડ અને 1750 રૂપિયા લેવામાં આવ્યા હતા. મારા નામે કોઈ કંપની ચાલતી હોવાની મને જાણ નથી. જીએસટી વિભાગની ટીમ આવી છે. તેણે કહ્યું કે, મારા નામે કોઈ ફર્મ ચાલી રહી છે. GST વિભાગે અમને બોલાવીને પગલાં લેવા જણાવ્યું છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.