બેરોજગારીનું ભયાનક સ્વરૂપ, IIT પાસ કરનારા 38% વિદ્યાર્થીઓને નોકરી જ ના મળી, RTIમાં ઘટસ્ફોટ
IIT Placements Details: આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. કઠિન પરીક્ષા પાસ કર્યા બાદ દેશની આ પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવી જીવનની એક જંગ જીત્યા સમાન લાગણી અનુભવે છે. પરંતુ વાસ્તવમાં કટોકટીનો પ્રવાસ પ્રવેશ મેળવ્યા બાદ જ શરૂ થાય છે. તેમાંય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્લેસમેન્ટમાં નોકરી ન મળી રહી હોવાના ચોંકાવનારા આંકડાઓનો ખુલાસો આરટીઆઈમાં થયો છે. 2024ના આંકડાઓ અનુસાર, આઈઆઈટીના તમામ 23 કેમ્પસમાં આશરે 38 ટકા વિદ્યાર્થીઓને હજી સુધી નોકરી મળી નથી. આઈઆઈટી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પોતાના સિનિયર્સને મેઈલ કરી નોકરી અપાવવા ભલામણો કરે છે, મદદ માગે છે. આઈઆઈટી-બોમ્બે અને બિરલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓએ પણ સિનિયર્સ પાસે મદદ માગી છે.
આઈઆઈટી દિલ્હીમાં 2023-24નું પ્લેસમેન્ટ સેશન પૂર્ણ થવા જઈ રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓ તેમાં નોકરી મેળવી શક્યા નથી. આશરે 400 વિદ્યાર્થીઓને અત્યાર સુધી નોકરી મળી નથી.
બિરલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પ્રથમ વખત બે મહિના પહેલા પોતાના સિનિયર વિદ્યાર્થીઓ પાસે મદદ માગી છે. આઈઆઈટી-બોમ્બે પણ સિનિયર વિદ્યાર્થીઓનો સંપર્ક સાધ્યો છે.
આ કોલેજોમાં પ્લેસમેન્ટ હજુ ચાલુ છે અને જૂનના અંત સુધી ચાલુ રહેશે. પ્લેસમેન્ટમાં ભાગ લેનાર બેચના લગભગ 10% વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરી મળી નથી. RTI અનુસાર, ગયા વર્ષે 329 વિદ્યાર્થીઓને નોકરી મળી ન હતી.
BITS ગ્રુપના વાઇસ ચાન્સેલર વી રામગોપાલ રાવે જણાવ્યું હતું કે, "પ્લેસમેન્ટ દરેક જગ્યાએ 20%થી 30% ઓછુ થયુ છે. જો કોઈ સંસ્થા એવું કહેતી હોય કે તમામ વિદ્યાર્થીઓને નોકરીઓ મળી ગઈ છે, તો નોકરીઓની ગુણવત્તા યોગ્ય નથી. આ પહેલું વર્ષ છે જ્યારે ChatGPT અને મોટા લેંગ્વેજ મોડેલએ પોતાના પ્રભાવ રજૂ કર્યો છે. આ વર્ષે 23 આઈઆઈટીમાં 7,000થી વધુ વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટના માધ્યમથી નિમણૂક કરવાની બાકી છે. બે વર્ષ પહેલા 3400 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયુ ન હતું. પ્લેસમેન્ટમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1.2 ગણી વધી છે.