તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન AIIMSમાં દાખલ, થઈ ગઈ ગંભીર બીમારી, જાણો ડૉક્ટરે શું કહ્યું
Chhota Rajan Admitted In AIIMS : તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડતા AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલ મુજબ, છોટા રાજનને સાઈનસની બીમારી હોવાથી તેના નાકનું ઓપરેશન કરવાનું છે. જ્યારે ડૉક્ટરની સલાહથી છોટા રાજનને AIIMSમાં દાખલ કરાયો છે, પરંતુ હાલના ધોરણે તેનું ઓપરેશન કરાયું ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે, ઓપરેશન થયા બાદ છોટા રાજનને ફરીથી તિહાર જેલમાં મોકલી દેવામાં આવશે.
જેલમાં બંધ છોટા રાજનની તબિયત લથડી
મીડિયા અહેવાલ મુજબ, તિહારની જેલમાં બંધ 64 વર્ષના છોટા રાજનને સ્વાસ્થ્યને લઈને અનેક બીમારીઓ છે. જેમાં છોટા રાજનને સાઈનસની બીમારી છે. આ દરમિયાન છોટા રાજનની જેલમાં સારવાર ચાલી રહી છે. જો કે, તબિયત વધુ લથડતા તેને હોસ્પિટલમાં મોકલવાયો હતો. જેમાં ડૉક્ટરે તપાસ કરીને ઓપરેશન કરવાની સલાહ આપી હતી. જેને ધ્યાનમાં રાખીને છોટા રાજનને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશુ ચોરોનો BSF જવાનો પર હુમલો, સૈનિકોએ આપ્યો વળતો જવાબ
જે વોર્ડમાં છોટા રાજનને રખાયો ત્યાં કડક સુરક્ષા ગોઠવી
તિહારની હાઈ સિક્યોરિટી વાળી જેલમાં બંધ છોટા રાજનને AIIMSમાં દાખલ કરાતા ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે વોર્ડમાં છોટા રાજનને રાખવામાં આવ્યો છે, ત્યાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. જેમાં સુરક્ષાકર્મીની મંજૂરી વગર કોઈને પણ પ્રવેશવાની અનુમતિ નથી.