5.5 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ ધરાશાયી, બિહાર બાદ ઝારખંડની ઘટના, પિલ્લર ધસી પડ્યા
Jharkhand Bridge Collapse: બિહારમાં વારંવાર પુલ તૂટી જવાના સમાચારો વચ્ચે હવે ઝારખંડમાં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. ગિરિડીહ જિલ્લાના દેવરી બ્લોકમાં અર્ગા નદી પર બની રહેલા પુલનો પિલર જ ધસી પડ્યો હતો, જેના કારણે ગર્ડર તૂટી પડ્યો અને પુલ ધરાશાયી થઈ ગયો.
ક્યાં બની રહ્યો હતો આ પુલ
ફતેહપુર-ભેલવાઘાટી રોડ પર આવેલ કારીપહારી ગામમાં અરગા નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો, જે ચોમાસાના પ્રથમ વરસાદમાં પણ ટકી ન શક્યો. હકીકતમાં શનિવારે સાંજે પડેલા મૂશળધાર વરસાદને કારણે નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો હતો. નદીના જોરદાર પ્રવાહને કારણે નિર્માણાધીન પુલનો એક પિલર નમી ગયો હતો જેના લીધે ગર્ડર તૂટીને પડ્યો. જ્યારે અન્ય એક પિલર પણ વાંકો થઇ ગયો હતો.
5.5 કરોડના ખર્ચે બની રહ્યો હતો બ્રિજ
સ્થાનિક ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદ દરમિયાન રાત્રે 8 વાગ્યાની આસપાસ એક પિલર ધસી જવાની તૈયારીમાં હતો. ત્યારપછી જોરદાર અવાજ સાથે નિર્માણાધીન પુલનો ગર્ડર તૂટીને નદીમાં પડ્યો. અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ઘરોમાં રહેતા લોકો સાંભળીને જ ડરી ગયા હતા. મળતી માહિતી મુજબ આ પુલનું નિર્માણ માર્ગ બાંધકામ વિભાગ દ્વારા 5.5 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યો હતો. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ ઓમ નમઃ શિવાય નામની કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો.
બિહારમાં 11 દિવસમાં પાંચ પુલ ધરાશાયી થયા
ઉલ્લેખનીય છે કે ઝારખંડના પડોશી રાજ્ય બિહારમાં છેલ્લા 11 દિવસમાં પાંચ પુલો જળ સમાધિ લઈ ચૂક્યા છે. 18 જૂને અરરિયામાં બકરા નદી પર 12 કરોડના ખર્ચે બનેલો પુલ તૂટી પડ્યો હતો. ત્યારપછી 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. કહેવાય છે કે આ પુલ લગભગ 40-45 વર્ષ જૂનો હતો.