મણિપુરમાં ઈન્ટરનેટ બૅન-કર્ફ્યૂ રિટર્ન, લેટેસ્ટ હિંસામાં મૃત્યુઆંક 8ને પાર, 2000 જવાનોની તહેનાતી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં ઈન્ટરનેટ બૅન-કર્ફ્યૂ રિટર્ન, લેટેસ્ટ હિંસામાં મૃત્યુઆંક 8ને પાર, 2000 જવાનોની તહેનાતી 1 - image


- આજથી સમગ્ર રાજ્યમાં બે દિવસ માટે શાળા-કોલેજો અને ઇન્ટરનેટ પાંચ દિવસ બંધ, પાંચ જિલ્લામાં કરફ્યુ

- તાજેતરની હિંસામાં કુલ આઠનાં મોત, ડ્રોન-મિસાઇલ હુમલા અટકાવી શાંતિ સ્થાપિત કરવાની માગ સાથે હજારો વિદ્યાર્થીઓની રેલી

- મુખ્યમંત્રી-રાજ્યપાલના નિવાસને ઘેરવાનો પ્રયાસ, પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરી ટીયર ગેસના શેલ છોડયા 

- ૧૬ મહિનાથી હિંસાની આગમાં ભડકે બળતા મણિપુરમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુનો ભોગ લેવાયો, હજારો લોકો કેમ્પમાં

Manipur News and Latest Updates| મણિપુર ફરી હિંસાની આગમાં લપેટાઇ રહ્યું છે, રાજધાની ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કરફ્યુ લાગુ કરી દેવાયો છે. હાલમાં ડ્રોનથી બોમ્બ વિસ્ફોટ કરવાની ઘટનાઓ પણ વધવા લાગી છે. જેના વિરોધમાં મહિલાઓ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. લોકોમાં પ્રશાસનને લઇને ગુસ્સો વધી રહ્યો છે, કેટલાક પ્રદર્શનકારીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો. કથળી રહેલા કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લાઓમાં કરફ્યુ લાગુ કરી દેવાયો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. 

હાલમાં હિંસાની ઘટનાઓ વધવા લાગી છે અને તે ફરી સમગ્ર રાજ્યમાં ફેલાઇ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હિંસા વધુ ફેલાતી અટકાવવા માટે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે મે મહિનાથી મણિપુરમાં હિંસાની આગ સળગી રહી છે. જેને રોકવામાં સમગ્ર પ્રશાસન નિષ્ફળ નિવડયું છે. રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડીને સમગ્ર રાજ્યમાં ૧૫મી સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોબાઇલ ડેટા સર્વિસ, લીઝ લાઇન, વીએસએટીએસ, બ્રોડબેન્ડ અને વીપીએન સર્વિસનો પણ સમાવેશ થાય છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે કેટલાક અસામાજિક તત્વો ઉશ્કેરણીજનક ભાષણો, તસવીરો, વીડિયો વગેરેને સોશિયલ મીડિયા તેમજ મેસેજિંગ એપથી શેર કરી રહ્યા છે. જેનાથી હિંસા વધુ ભડકવાની શક્યતાઓ છે. 

આ સાથે જ તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને કોલેજોને બુધવારથી બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સોમવારે ઇમ્ફાલમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ડ્રોન-મિસાઇલ હુમલા કરનારાઓ સામે પગલા લેવાની માગણી કરીને રેલી કાઢી હતી. આ દરમિયાન તમામ પ્રદર્શનકારીઓએ રાજ ભવન તરફ રેલી કાઢી હતી. જે દરમિયાન તેમને વચ્ચે જ સુરક્ષાદળોએ અટકાવી દીધા હતા, પરીણામે સામસામે ભારે ઘર્ષણ થયું હતું, પોલીસ અને સુરક્ષાદળોએ ટીયર ગેસના શેલ છોડયા હતા. મણિપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શનો થયા હતા, વિદ્યાર્થીઓએ પુતળા ફૂંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છ તારીખે મોઇરંગમાં હુમલો થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યંુ હતું. મણિપુરના પ્રથમ મુખ્યમંત્રીના ઘર પર પૂજા કરી રહેલા એક વ્યક્તિની હત્યા થઇ હતી, ટ્રોઉંંગલાઓબી ગામમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં ભારે નુકસાન થયું હતું, જોકે કોઇ પણ વ્યક્તિ ઘાયલ નહોતું થયું. 

મણિપુરમાં છેલ્લા ૧૬ મહિનાથી હિંસાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, જેમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે હજારો લોકો વિસ્થાપિત થયા છે, એક વર્ષથી અનેક લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે. મૈતેઇ અને કૂકી આદિવાસીઓ વચ્ચે આ હિંસા ફાટી નીકળી હતી, જે દરમિયાન મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવા સહિતની અત્યંત જઘન્ય અપરાધની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. તાજેતરમાં ડ્રોન અને મિસાઇલ હુમલા વધી રહ્યા છે, જેમાં હાલમાં આઠ લોકો માર્યા ગયા છે. લોકો હવે હિંસાને અટકાવવાની માગણી સાથે પણ પ્રદર્શન કરી રહ્યા છે, સોમવારે મુખ્યમંત્રી અને રાજ્યપાલના નિવાસ સ્થાનને ઘેરવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ બે હજાર જેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.



Google NewsGoogle News