યુક્રેન ન્યુકિલયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવાની ફિરાકમાં : રશિયાનો દાવો
યુક્રેને રશિયાના કુર્સ્ક વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ પુલનો કચ્ચરઘાણ કાઢ્યો
જમીન, હવા અને પાણીમાંથી હુમલો કરવાની ક્ષમતા ધરાવતી રશિયાની પરમાણુ મિસાઇલો પણ વળતો જવાબ આપવા સજ્જ
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઇ રહ્યું નથી ત્યારે હવે રશિયાને ડર સતાવી રહ્યો છે કે યુક્રેન તેના કુર્સ્ક અને જેપોરોઝી ન્યુકિલયર પાવર પ્લાન્ટ પર હુમલો કરી શકે છે. રશિયાની સિક્યોરિટી એજન્સીને આશાંકા છે કે યુક્રેન એવા હથિયારોનો ઉપયોગ કરશે જેનો વોરહેડ રેડિયોએક્ટિવ હોઇ શકે છે.
જો આવા હથિયારનો ઉપયોગ ન્યૂકિલયર પાવર પ્લાન્ટ્સ પર કરવામાં આવશે તો મોટા પાયે નુકસાન થશે. રશિયાના ડિફેન્સ અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેનના દેનપ્રોપેટ્રોવસ્ક વિસ્તારના ઝોલ્તિએ વોદીમાં આ હથિયાર પહોંચી ગયા છે. આ માહિતી રશિયન સિક્યોરિટી અધિકારીઓએ સ્પુતનિક મીડિયા સંસ્થાને આપી છે. ખારકોવ વિસ્તારમાં મિલિટ્રી સિવિલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે યુક્રેન રશિયન ન્યુકિલયર ફેસિલિટીને ઉડાવી શકે છે.
બીજી તરફ યુક્રેનનો દાવોે છે કે રશિયા પોતે સેલ્ફ ફાયરિંગ કરશે અને લડાઇને વેગ આપશે. રશિયાએ દાવો કર્યો છે કે તેને આ માહિતી પકડાયેલા યુક્રેનિયન યુદ્ધબંદીઓ પાસેથી મળી છે.
યુક્રેન દ્વારા ન્યુકિલયર પાવર પ્લાન્ટ પર હુમલાનું આયોજન પશ્ચિમી દેશોનું છે. જેમાં મુખ્યત્વે બ્રિટન સામેલ છે. રશિયન સમર્થક નેતા સર્ગેઇ લેબેદેવે જણાવ્યું છે કે સુમી અને જેપોરોઝી વિસ્તારમાં પશ્ચિમી દેશોના અનેક મીડિયા પર્સનલ પહોંચી ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેન હવે ડર્ટી બોંબનો પણ ઉપયોગ કરે તેવી શક્યતા છે. આ ડર્ટી બોંબનો ઉપયોગ કુર્સ્ક અને જેપોરોઝી ન્યુકિલયર પાવર પોઇન્ટ પર કરવામાં આવશે.
બીજી તરફ રશિયાએ પોતાની ન્યૂકિલયર મિસાઇલ તૈયાર રાખી છે. જમીન, હવા અને પાણીથી હુમલો કરવાની ક્ષમતા ધરાવતી આ પરમાણુ મિસાઇલો કોઇ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.
રશિયાની તૈયારી છે કે જો પશ્ચિમી દેશોએ હુમલો કર્યો તો તે અનેક મોટા શહેરોને નિશાન બનાવી શકે છે. જેમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના શહેરો પણ સામેલ છે. એક વાત સ્પષ્ટ છે કે રશિયાએ ન્યૂકિલયર સબમરીને પોતાની ૪૫૦૦ કિમી રેન્જવાળી પરમાણુ મિસાઇલ કેલિબર-એમને છોડશે તો વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કને કોઇ બચાવી નહીં શકે.
આ દરમિયાન યુક્રેને રશિયાના કુર્સ્ક વિસ્તારમાં એક મહત્ત્વપૂર્ણ પુલનો નાશ કર્યો છે અને પાસે આવેલા અન્ય પુલ પર હુમલો કર્યો છે.
આ હુમલો સરહદ પારથી કરવામાં આવેલ ઘુષણખોરીના બે સપ્તાહથી ઓછા સમયમાં કરવામાં આવ્યો છે. આ હુમલાથી રશિયાના પુરવઠામાં અવરોધ ઉભો થઇ શકે છે. આ હુમલાથી બીજો સંકેત મળે છે કે યુક્રેનના સૈનિકો ત્યાં રોકાવા માગે છે.
- યુક્રેને પશ્ચિમી દેશો પાસે રશિયાના અંતરિયાળ વિસ્તારોમાં હુમલાની મંજૂરી માંગી
કીવ: યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ યુક્રેનના સહયોગીઓ પાસે રશિયાના અંતરિયાળ વિસ્તારોમાં પશ્ચિમી હથિયારોની મદદથી વધુ હુમલા કરવાની મંજૂરી માંગી છે. જે વિસ્તારોમાં હુમલા કરવાની મંજૂરી માંગવામાં આવી છે તેમાં કુર્સ્ક પણ સામેલ છે. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું છે કે રશિયાને યુદ્ધમાં નબળું બનાવવા માટે પશ્ચિમી દેશો હથિયારો પર મૂકવામાં આવેલા પ્રદ્ધિો દૂર કરે તે જરૂરી છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમારા પુલ તોડવા માટે યુક્રેને અમેરિકામાં નિર્મિત શસ્ત્રો અને દારૂગોળાનો ઉપયોગ કર્યો છે. યુક્રેનના પ્રમુખે વારંવર પશ્ચિમી દેશો પાસેથી લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી છે. બીજી તરફ રશિયાએ ચાલુ મહિનામાં ત્રીજી વખત યુક્રેન પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે.