સંસ્કૃતિ ખતમ કરી હુકમ ચલાવવા માંગે છે સંઘ: રાહુલ ગાંધીએ પણ UGCના નવા નિયમોનો વિરોધ કર્યો
Rahul Gandhi attacks RSS: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુજીસીના ડ્રાફ્ટ નિયમો વિરુદ્ધ જંતર-મંતર ખાતે ડીએમકેની વિદ્યાર્થી દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના ડ્રાફ્ટ નિયમોને ટાંકીને આક્ષેપ કર્યો હતો કે, 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દેશ પર એક વિચાર, એક ઇતિહાસ અને એક ભાષા થોપવા માગે છે, પરંતુ તેને સ્વીકારવામાં આવશે નહીં.'
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 'RSSનો ઉદ્દેશ્ય અન્ય તમામ ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને ભૂંસી નાખવાનો છે. તેમનો ઇરાદો એક જ વિચાર, ઇતિહાસ અને ભાષાને દેશ પર થોપવાનો છે.'
આપણે મતભેદોને માન આપવું જોઈએ
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, 'RSS વિવિધ રાજ્યોની શિક્ષણ પ્રણાલીઓ સાથે આવું વર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ તેમના એજન્ડાને આગળ વધારવા માટેનું એક બીજું પગલું છે. દરેક રાજ્યની પોતાની આગવી પરંપરા, ઇતિહાસ અને ભાષા હોય છે, તેથી જ ભારતને બંધારણમાં રાજ્યોનું સંઘ કહેવામાં આવે છે. આપણે આ તફાવતોને માન આપવું જોઈએ અને સમજવું જોઈએ.'
RSS પોતાની વિચારધારા થોપવાનો પ્રયાસ કરી રહી છે
રાહુલ ગાંધીએ કહ્યું, 'આ તમિલ લોકો અને અન્ય રાજ્યોનું અપમાન છે જ્યાં RSS પોતાની વિચારધારા થોપવાનો પ્રયાસ કરી રહી છે. આ તમામ બાબતોને નબળી પાડવાનો RSSનો પ્રયાસ છે.' કોંગ્રેસ પાર્ટી અને 'ઇન્ડીયા' ગઠબંધનમાં તે ખૂબ જ સ્પષ્ટ છે કે દરેક રાજ્ય, દરેક ઇતિહાસ, દરેક ભાષા અને દરેક પરંપરાનું સન્માન કરવું જોઈએ. તેમની સાથે સમાન રીતે વર્તવું જોઈએ, અલગ રીતે નહીં.'
કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું, 'RSSને સમજવાની જરૂર છે કે તેઓ બંધારણ, આપણા રાજ્ય, આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને આપણા ઇતિહાસ પર હુમલો કરી શકતા નથી,'
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળનું નામ જ બદલી કાઢવા મમતા સરકાર તૈયાર, જાણો નવું નામ શું રાખવું છે?
6 રાજ્યોએ વિરોધ વ્યક્ત કર્યો
બિન-ભાજપ સરકારો યુજીસીના નવા ડ્રાફ્ટનો વિરોધ કરી રહ્યા છે. જેમાં કર્ણાટક, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે ડ્રાફ્ટ નિયમો પાછા ખેંચવા જોઈએ.