યુજીસી-નેટ પરીક્ષાની નવી તારીખો જાહેર, હવે પેપર-પેનને બદલે કમ્પ્યુટર મોડમાં
UGC-NET exam New date: પેપર લીકના વિવાદ વચ્ચે યુજીસીની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ 18મી જુને લેવાયા બાદ બીજા જ દિવસે રદ કરી દેવાઈ હતી ત્યારે એનટીએ દ્વારા આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામા આવી છે. જે મુજબ હવે 21મી ઓગસ્ટથી યુજીસી- નેટ પરીક્ષા લેવામા આવશે અને પેપર-પેન્સીલના ઓફલાઈન મોડને બદલે હવે આ પરીક્ષા સંપૂર્ણ રીતે કમ્પ્યુટર બેઝ લેવામા આવશે.
કોલેજોમાં અધ્યાપક બનવા માટેની અને રિસર્ચ ફેલોશિપ માટેની યુજીસીની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ દર વર્ષે જુન અને ડિસેમ્બરમાં લેવામા આવે છે. આ વર્ષે જુન સાયકલની પરીક્ષા 18મી જુને દેશભરમાં પેપર-પેન્સિલ મોડમાં ઓફલાઈન રીતે લેવાઈ હતી. પરંતુ પરીક્ષાના બીજા જ દિવસે પેપર લીક અને અન્ય કેટલીક ખામીઓને લઈને આ પરીક્ષા રદ કરી દેવાઈ હતી.
આ પરીક્ષા દેશભરના લાખો વિદ્યાર્થીઓએ આપી હતી ત્યારે અચાનક પરીક્ષા રદ કરી દેવાતા લાખો વિદ્યાર્થીઓ હતાશામાં આવી ગયા હતા. આ પરીક્ષાની નવી તારીખ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરી દેવામા આવી છે. જે મુજબ હવે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં લેવામા આવશે.
આ યુજીસી-નેટ પરીક્ષા હવે પેપર લીકના વિવાદમાં ન ફસાય તે માટે પેપર- પેન્સિલ મોડને બદલે કમ્પ્યુટર બેઝ લેવામા આવશે. એનટીએ દ્વારા અન્ય બે પરીક્ષાની પણ નવી તારીખો જાહેર કરવામા આવી છે. જે મુજબ 25થી27 જુનની મોકુફ કરાયેલી જો ઈન્ટ સીએસઆઈઆર (કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ) - યુજીસી નેટ પરીક્ષા હવે 25થી27 જુલાઈ દરમિયાન લેવાશે અને આ પરીક્ષા પણ કમ્પ્યુટર બેઝ લેવાશે.
આ ઉપરાંત ચાર વર્ષના ઈન્ટિગ્રેટેડ ટીચર્સ ટ્રેનિંગ કોર્સીસ પ્રવેશ માટેની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (એનસીઈટી) 10 જુલાઈએ લેવાશે અને જે પણ કમ્પ્યુટર બેઝ લેવામા આવશે. જ્યારે ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ અગાઉની નિયત તારીખ મુજબ 6ઠ્ઠી જુલાઈએ જ લેવાશે.