કોલેજના અધ્યાપકો માટેની યુજીસી નેટ પરીક્ષા પહેલીવાર રદ
- પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હોવાનું કન્ફર્મ થતાં નિર્ણય
- નવા નિયમો પ્રમાણે મંગળવારે જ યોજાયેલી પરીક્ષામાં દેશભરમાં 11 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા હતા: સીબીઆઈ તપાસના આદેશ
નવી દિલ્હી : દેશબરમાં કોલેજો તથા યુનિવર્સિટીઓમાં અધ્યાપક બનવા માટેની યુજીસી નેટ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હોવાની પુષ્ટિ થતાં આ પરીક્ષા રદ કરવામાં આવી છે. યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી અનેક મહત્વની પરીક્ષાઓના પેપર ફૂટયાં હોય અને પરીક્ષા રદ કરવી પડી હોય તેનો સિલસિલો ચાલી રહ્યો છે. તેમાં હવે યુજીસી નેટનો પણ ઉમેરો થતાં અધ્યાપક બનવા માટે તૈયારી કરતા ઉમેદવારો હતાશ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરવાની સાથે પેપર લીક થવા અંગે સીબીઆઈ તપાસના આદેશો આપ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે તા. ૧૮મી જૂનના રોજ દેશના જુદાં જુદાં શહેરોમાં (ઓએમઆર) પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી.
જોકે, આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું.
આ રીપોર્ટ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈકાલે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા યોજાશે. તેની તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે. સાથે સાથે પેપર લીક થવાની સમગ્ર ઘટનાની તપાસ પણ સીબીઆઈને સોંપાવમાં આવી છે.
એક સત્તાવાર યાદી અનુસાર બિહાર પોલીસની આર્થિક ગુના અપરાધ નિવારણ શાખા પાસેથી સમગ્ર અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે. તે મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે.
યુજીસીના જણાવ્યા અનુસાર આ પરીક્ષા માટે કુલ ૧૧.૨૧ લાખ પરીક્ષાર્થી નોંધાયા હતા. તેમાંથી ૮૧ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરના ૩૧૭ શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી. ભારતની કોલેજો તથા યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાત્રતા નક્કી કરવા આ પરીક્ષા યોજવામાં આવે છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટના સ્વરુપે લેવાય છે.
આ પરીક્ષા દર વર્ષે ડિસેમ્બર તથા જૂનમાં એમ બે વખત લેવામાં આવે છે. કુલ ૮૩ વિષયોમાં આ પરીક્ષા યોજાતી હોય છે.