NEET કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, લાખોના પગાર આપી આઉટસોર્સ સ્ટાફ, પરીક્ષા કેન્દ્રોના કોન્ટ્રાક્ટ!

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
UGC-NET Exam 2024

NEET Exam Scam : મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ (NEET 2024)ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 18મી જૂને યોજાયેલી UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે યુજીસી-નેટ પરીક્ષામાં ગેરરીતિની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે. આ બંને પરીક્ષાની પ્રક્રિયા એનટીએના હાથમાં હતી, તેથી તેમાં ગેરરીતિ સામે આવ્યા બાદ હવે એનટીએ શંકાની જાડમાં ફસાઈ ગઈ છે. આ ઉપરાંત નીટ કૌભાંડમાં પણ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. એનટીએ પરીક્ષાની કામગીરી માટે આઉટસોર્સ સ્ટાફનો અને પરીક્ષા કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટ હેઠળની કંપનીઓની મદદ લે છે.

એનટીએ શું છે?

વાસ્તવમાં એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી. આ એજન્સી ઉચ્ચ શિક્ષણ અને વિવિધ સરકારી સંસ્થાઓમાં પ્રવેશ લેવા માટે યોજાતી પરીક્ષાનું આયોજન કરે છે. એનટીએની સ્થાપના ઇન્ડિયન સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ થઈ હતી. તેની રચના માનવ સંશાધન મંત્રાલયે (હાલ શિક્ષણ મંત્રાલય) કરી હતી.

એનટીએની જવાબદારીઓ

એનટીએ પાસે નીટ અને નેટ ઉપરાંત ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ એન્ટ્રન્સ ટેસ્ટ, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET), જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેન્સ એક્ઝામ, કોમન મેનેજમેન્ટ કમ એડમિશન ટેસ્ટ (CMAT) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી એન્ટ્રન્સ એક્ઝામ, જોઇન્ટ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (JIPMAT)ની પરીક્ષાઓ યોજવાની જવાબદારી પણ છે.

કેવી રીતે તૈયાર કરવામાં આવે છે પેપર?

એનટીએ દ્વારા તૈયાર થયું પેપર ઘણા પડકારો પાર કર્યા બાદ પરીક્ષાર્થીઓ પાસે પહોંચે છે. એનટીએની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ, પેપર તૈયાર કરવા માટે સૌથી પહેલા વિષય નિષ્ણાતો સવાલો તૈયાર કરે છે. ત્યારબાદ ટેસ્ટ ડેવલપમેન્ટ કમિટી તે સવાલોની તપાસ કરે છે. તપાસ કર્યા બાદ તે સવાલોમાંથી એક પેપર લખવામાં આવે છે, જેની તપાસ કર્યા બાદ તેમાંથી કેટલાક સવાલો હટાવી દેવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેપરને એસેમ્બલ કરવામાં આવે છે અને પછી ફાઈનલ પેપર બને છે.

એનટીનું મોટાભાગનું કામ ટેન્ડર ઉપર

એનટીએની જવાબદારી પેપર તૈયાર કરવાની છે. આ માટે તે આઉટસોર્સની મદદથી પરીક્ષાનું આયોજન કરે છે. જોકે એનટીએ પર સવાલો ઉઠાવવા પાછળનું એક કારણ એવું છે કે, એનટીએ મોટાભાગનું કામ ટેન્ડર વ્યવસ્થા પર કરે છે. ઘણા રિપોર્ટોમાં એવું કહેવાયું છે કે, એનટીએ પાસે પરીક્ષા યોજવાની પોતાની કોઈ વ્યવસ્થા નથી, તેના કારણે આઉટસોર્સિંગ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા ટેન્ડરો બહાર પાડવામાં આવે છે અને કંપનીઓને હાયર કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રનું તમામ કામ આ કંપનીઓના હાથમાં જ હોય છે. એટલું જ નહીં સમગ્ર સ્ટાફ પણ આઉટસોર્સ દ્વારા હાયર કરવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે, આ કંપનીઓની બેદરકારીને કારણે પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે.

એનટીએ કયાં કયાં ટેન્ડરો બહાર પાડે છે?

એનટીએ પરીક્ષા કેન્દ્રમાં તમામ વ્યવસ્થા માટે ટેન્ડર બહાર પાડે છે, જેમાં કોમ્પ્યુટર, સીસીટીવી જેવી વ્યવસ્થાઓ સામેલ છે. એનટીએએ એક કરોડ ઈએમટી રેટ મુજબ ટેન્ડર બહાર પાડ્યું હતું.

એનટીએ સ્ટાફ માટે પણ ટેન્ડર બહાર પાડે છે. એનટીએએ આઉટસોર્સ સ્ટાફમાં ટેકનિકલ સપોર્ટ ગ્રૂપ, ઑફિસ આસિસ્ટન્ટ, સીનિયર આસિસ્ટન્ટ, કન્સલ્ટન્ટ, જૂનિયર કન્સલ્ટન્ટ એડવાઈઝર, ડેટા એનાલસ્ટ વગેરે પદો પર મૈનપાર માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડરમાં તમામ કર્મચારીના ભણતરની વિગતો પણ મંગાઈ હતી. આમાં ઘણા લોકોને દોઢ લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.

આ ઉપરાંત એનટીએ દ્વારા ક્યૂઆર કોડ સોલ્યૂશન માટે પણ ટેન્ડર બહાર પડાય છે અને તેમાં ઘણી કંપનીઓને હાયર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં એનટીએ ટેન્ડર થકી ઘણી કંપનીઓની મદદ લઈ પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષાની પ્રક્રિયામાં કામ કરતો સ્ટાફ પણ બહારથી હાયર કરવામાં આવે છે, તેમની નિમણૂક એનટીએ દ્વારા કરાતી નથી.

18 જૂને લેવાઈ હતી UGC-NETની પરીક્ષા

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે 18મી જૂને દેશના જુદાં જુદાં શહેરોમાં  (ઓએમઆર) પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર  આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું. 

પેપર લીકના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા કરાઈ રદ

આ રીપોર્ટ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈકાલે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા યોજાશે. તેની તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે. સાથે સાથે  પેપર લીક થવાની સમગ્ર ઘટનાની તપાસ પણ સીબીઆઈને સોંપાવમાં આવી છે. એક સત્તાવાર યાદી અનુસાર બિહાર પોલીસની આર્થિક ગુના અપરાધ નિવારણ શાખા પાસેથી સમગ્ર અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે. તે મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે. 

11.21 લાખમાંથી 81 ટકા પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી

યુજીસીના જણાવ્યા અનુસાર આ પરીક્ષા માટે કુલ 11.21 લાખ પરીક્ષાર્થી નોંધાયા હતા. તેમાંથી 81 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરના 317 શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી. ભારતની કોલેજો તથા યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પાત્રતા નક્કી કરવા આ પરીક્ષા યોજવામાં આવે છે.  નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટના સ્વરુપે લેવાય છે. આ પરીક્ષા દર વર્ષે ડિસેમ્બર તથા જૂનમાં એમ બે વખત લેવામાં આવે છે. કુલ 83 વિષયોમાં આ પરીક્ષા યોજાતી હોય છે.

દેશમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત્

યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી અનેક મહત્વની પરીક્ષાઓના પેપર ફૂટયાં હોય અને પરીક્ષા રદ કરવી પડી હોય તેનો સિલસિલો ચાલી રહ્યો છે. તેમાં હવે યુજીસી નેટનો પણ ઉમેરો થતાં અધ્યાપક બનવા માટે  તૈયારી કરતા ઉમેદવારો હતાશ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરવાની સાથે પેપર લીક થવા અંગે સીબીઆઈ તપાસના આદેશો આપ્યા છે. 


Google NewsGoogle News