Get The App

જલ્દી જ ફરી લેવાશે પરીક્ષા: NET એક્ઝામ રદ કર્યા બાદ શિક્ષણ મંત્રાલયે કહ્યું- CBI કરશે તપાસ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
UGC-NET Exam And Education Minister Dharmendra Pradhan


UGC-NET Re-Examination Date : મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ (NEET 2024)ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યોજાયેલી UGC-NET પરીક્ષા રદ થયા બાદ દેશભરમાં આક્રોશ અને ચર્ચાનો વિષય બની ગયો છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, તેઓ જાણવા માંગે છે કે, ફરી ક્યારે પરીક્ષા લેવાશે?, ત્યારે હવે આ મામલે શિક્ષણ મંત્રાલયે જવાબ આપ્યો છે.

શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ શું કહ્યું ?

યુજીસી-નેટની પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, યુજીસી-નેટની પરીક્ષા અંગે કોઈપણ ફરિયાદ મળી નથી. આ બાબતમાં સરકારે પોતે ધ્યાન આપી પરીક્ષા રદ કરી દીધી છે. અધિકારીઓએ એવું પણ કહ્યું કે, પરીક્ષાની નવી તારીખો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

18 જૂને UGC-NETની લેવાયેલી પરીક્ષા રદ થઈ

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે 18મી જૂને દેશના જુદાં જુદાં શહેરોમાં (ઓએમઆર) પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું. 

પેપર લીકના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા કરાઈ રદ

આ રીપોર્ટ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈકાલે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા યોજાશે. તેની તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે. સાથે સાથે પેપર લીક થવાની સમગ્ર ઘટનાની તપાસ પણ સીબીઆઈને સોંપાવમાં આવી છે. એક સત્તાવાર યાદી અનુસાર બિહાર પોલીસની આર્થિક ગુના અપરાધ નિવારણ શાખા પાસેથી સમગ્ર અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે. તે મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે. 

11 લાખથી વધુ ઉમેદવારે ભર્યું હતું NET ફોર્મ

યુજીસી નેટનું ફોર્મ 11 લાખથી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. તેમાંથી 81 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરના 317 શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી. 18 જૂને પરીક્ષા થઈ પણ નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ ડિવિઝનને પરીક્ષામાં ગેરરીતિઓની ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરી. તપાસમાં માલુમ પડ્યું કે, શિક્ષણ સંસ્થાઓના ઓનલાઈન ચેટ ફોરમ પર યુજીસી નેટના પ્રશ્ન પત્રો અને સોલ્વ્ડ પેપર વિશે વાતચીત ચાલી રહી છે. ત્યાર પછી નેટની પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. 

દેશમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત્

યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી અનેક મહત્વની પરીક્ષાઓના પેપર ફૂટયાં હોય અને પરીક્ષા રદ કરવી પડી હોય તેનો સિલસિલો ચાલી રહ્યો છે. તેમાં હવે યુજીસી નેટનો પણ ઉમેરો થતાં અધ્યાપક બનવા માટે  તૈયારી કરતા ઉમેદવારો હતાશ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરવાની સાથે પેપર લીક થવા અંગે સીબીઆઈ તપાસના આદેશો આપ્યા છે. 


Google NewsGoogle News