ઈમ્ફાલ એરપોર્ટ પાસે UFO દેખાવાથી હડકંપ તપાસ માટે બે રાફેલ વિમાનોએ ઉડાન ભરી
- રવિવારે બપોરે 2.30 વાગે આ ઘટના બની તેનો વિડીયો પણ ઉતર્યો છે : એરપોર્ટ ૩ કલાક માટે કોમર્શિયલ ફલાઈટ માટે બંધ રખાયું
ઈમ્ફાલ : ઈમ્ફાલ એરપોર્ટ પાસે એક યુએફઓ દેખાવાથી હડકંપ મચી ગયો છે. આકાશમાં ઉડતી અજ્ઞાાત ચીજની સૂચના મળતાં, તુર્તજ ભારતીય વાયુ સેનાનાં બે રાફેલ યુદ્ધ વિમાનોને તેની શોધમાં ઉડાડવામાં આવ્યાં. પ્રાપ્ય માહિતી પ્રમાણે રવિવારે બપોરે ૨.૩૦ વાગે આ ઘટના બની હતી. તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો છે. આ અજ્ઞાાત ચીજ આકાશમાં દેખાતાં અડફા-તડફી મચી ગઈ હતી, અને આશરે ૩ કલાક સુધી એરપોર્ટ કોમર્શિયલ ફલાઈટસ માટે બંધ રખાયું હતું.
સંરક્ષણ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 'ઈમ્ફાલ એરપોર્ટ પાસે યુએફઓ દેખાયું હોવાની સૂચના મળી હતી. તે પછી તુર્ત જ એર-બેઝ ઉપરથી બે રાફેલ યુદ્ધ વિમાનોને તેની તલાશમાં મોકલી દેવાયાં. હાઈટેક સેન્સર્સ ધરાવતા આ યુદ્ધ વિમાનો સંદિગ્ધ ક્ષેત્રમાં ફરી વળ્યાં હતા, પરંતુ કશું જાણવા મળ્યું નહીં. પહેલા એક રાફેલ વિમાન તપાસ માટે મોકલાયું તે પાછું ફર્યું પછી બીજું વિમાન મોકલાયું પરંતુ તેને પણ કશું જાણવા મળ્યું નહીં.'
આ સાથે સંબંધિત એજન્સીઓ યુએફઓ વિષે માહિતી મેળવવા કોશીશ કરી રહી છે. કારણ કે, ઈમ્ફાલ એરપોર્ટ ઉપર દેખાયેલા યુએફઓનો વિડીયો પણ જોવા મળ્યો છે. હવામાં અજ્ઞાાત ચીજને જોતાં તેની તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ કશું હાથ આવ્યું નથી.
વાયુસેનાનાં ઈસ્ટર્ન-કમાન્ડે 'એક્સ' (પહેલાના ટ્વિટર) ઉપર એક પોસ્ટમાં જણાવ્યું. 'ઈમ્ફાલ એરપોર્ટ ઉપરથી કેટલાક વિડીયો મળતાં આઈ.એ.એફ.ના વિમાને ઉડાન ભરી, જોકે તપાસ દરમિયાન કશું હાથ આવ્યું નથી.'
તે સર્વવિદિત છે કે, ભારતીય વાયુસેનાના રાફેલ યુદ્ધ વિમાનો પશ્ચિમ બંગાળનાં હાશીમારા વિમાન મથક ઉપર તૈનાત રખાય છે, અને અમુક અમુક સમયે ચીન (તિબેટ)ની સરહદે રહેલા અને ઈસ્ટર્ન કમાન્ડનાં અન્ય વિમાન મથકોએ રહેલાં યુદ્ધ વિમાનો સાથે રીકોનેસાં (જાસૂસી તપાસ) માટે ઉડ્ડયનો કરતાં રહે છે.