‘તમને પરિણામની ખબર હોવી જોઈએ...’, સનાતન વિરોધી ટિપ્પણી બદલ ઉદયનિધિને સુપ્રીમની ફટકાર
સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરતા વિવાદ થયો હતો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 04 માર્ચ 2024, સોમવાર
Supreme Court Hearing: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી. ત્યાર પછી તેમની સામે દેશના અનેક રાજ્યોમાં કેસ નોંધાયા હતા. આ દરમિયાન સ્ટાલિન આ તમામ કેસને એકસાથે જોડવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે સુપ્રીમ કોર્ટમાંથી રાહત માગી રહ્યા છો. તમે સામાન્ય માણસ નથી તમે રાજકારણી છો. તમને એ ખબર હોવી જોઈએ કે આ ટિપ્પણીનું શું પરિણામ આવશે.’
સ્ટાલિનના વકીલ અભિષેક મનુ સિંઘવીએ શું કહ્યું?
આ મામલે સ્ટાલિનના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ‘તેઓ નોંધાયેલા કેસના તથ્યો પર ટિપ્પણી નથી કરી રહ્યા પરંતુ સુપ્રીમ કોર્ટ પહેલા પણ એક જ મામલે જોડાયેલા કેસને એકસાથે જોડતી આવી છે. કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુમાં તેમની વિરુદ્ધ કેસ નોંધાયા છે.’ જો કે સુપ્રીમ કોર્ટે આગામી સપ્તાહ સુધી આ મામલે સુનાવણી ટાળી દીધી છે.
ઉદયનિધિ સ્ટાલિનને 'સુપ્રીમ' ફટકાર
સુપ્રીમ કોર્ટે ઉદયનિધિને કહ્યું કે, ‘તમે કલમ 19(1)A અને 25 હેઠળ તમારા અધિકારોનો દુરુપયોગ કર્યો છે. તમે જાણો છો કે તમે શું કહ્યું? તમને આના પરિણામોનો અહેસાસ હોવો જોઈતો હતો. તમે હાઈકોર્ટનો સંપર્ક પણ કરી શકો છે.’ આ મુદ્દે સ્ટાલિનના વકીલ સિંઘવીએ કહ્યું કે, ‘જો મારે ઘણી હાઈકોર્ટમાં જવું પડશે તો હું બંધાઈ જઈશ.’ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આગામી સપ્તાહ માટે સુનાવણી ટાળી દીધી હતી.
સ્ટાલિને વારંવાર વિવાદાસ્પદ નિવેદન કર્યા
ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપી વિવાદ છંછેડ્યો હતો. આ અંગે વિવાદ થવા છતાં તેઓ પોતાના નિવેદનને વળગી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘સનાતનનો માત્ર વિરોધ નહીં કરવો જોઈએ, પરંતુ સમાપ્ત કરી દેવો જોઈએ. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને ખતમ જ કરવો પડે. આપણે ડેન્ગ્યૂ, મચ્છર, મેલેરિયા અથવા કોરોનાનો વિરોધ નથી કરતા, તેને નાબુદ જ કરીએ છીએ. એવી જ રીતે આપણે સનાતનને પણ નાબુદ કરવાનો છે.’