ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ‘મહાવિકાસ અઘાડી’ મુશ્કેલીમાં! ચૂંટણીમાં હાર બાદ કહી નાખી મોટી વાત
Image Twitter |
Uddhav Thackeray : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ શિવસેના (UBT) એ આગામી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં એક બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં તેમણે કહ્યું કે, 'આવનારા સમયમાં અમારી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લઈ શકે છે.' તેમણે આ નિવેદન આવનારા થોડા મહિનામાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આપ્યું છે. આ ઉપરાંત તેમણે પાર્ટીના સભ્યોને શિવસેના (UBT)ની હિંદુત્વ તરફી વિચારધારા પર ઉઠાવવામાં આવતા પ્રશ્નોને નકારી કાઢવા અને એકનાથ શિંદે જૂથના દાવાઓનો વિરોધ કરવા કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ કોર્પોરેટરોને સંબોધિત કર્યા
ઉદ્ધવ ઠાકરેએ તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે આ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં તેમણે કોર્પોરેટરોને સંબોધન કરતાં પાર્ટીને આગામી નગરપાલિકાની ચૂંટણીઓ, ખાસ કરીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો.
તમને જણાવી દઈએ કે BMC ચૂંટણીમાં 25 વર્ષથી શિવસેનાનો દબદબો છે. જો કે, શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ઉદ્ધવ જૂથ (શિવસેના-યુબીટી)ના 47 ભૂતપૂર્વ કોર્પોરેટરોને તેમના પક્ષમાં લઈ લીધા છે. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પ્રદર્શનનું વિશ્લેષણ કરવામાં આવશે. અને તેના માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જેઓ તે વિસ્તારોની મુલાકાત લેશે જ્યાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.
વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT)નું પ્રદર્શન સારું નહોતું રહ્યું. પાર્ટીએ 36 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 10 જ જીતી હતી. ભાજપે 132થી વધુ બેઠકો જીતી હતી. જો આપણે ભાજપના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ઘટક પક્ષોની વાત કરીએ તો એકનાથ શિંદેની શિવસેના 57 બેઠકો જીતવામાં સફળ રહી અને અજિત પવારની એનસીપી 41 બેઠકો જીતવામાં સફળ રહી. મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, શિવસેના-યુબીટી, એનસીપી-એસપી) માત્ર 46 બેઠકો જીતી શકી.