ઉદ્ધવ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP(SP)નું ટેન્શન વધારશે! વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડી શકે
Maharashtra Assembly Election 2024 : લોકસભાની ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારી તેજ કરી દીધી છે. એવામાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વખતે ઉદ્ધવ ઠાકરે એકલા હાથે વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે.
તમામ પાર્ટીના નેતા અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં બુધવારે શિવસેના ભવન ખાતે રાજ્યના તમામ પાર્ટીના નેતા અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પક્ષના નેતા અંબાદાસ દાનવેના જણાવ્યાનુસાર, ઠાકરેએ તમામ 288 વિધાનસભા ક્ષેત્રોના કન્વીનર સાથે વાત કરી અને તેમને આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીની તૈયારી શરુ કરવા માટે આદેશ પણ આપ્યા છે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ તમામ નેતાઓ પાસેથી 288 વિધાનસભા બેઠકોની માહિતી પણ માગી હતી.
વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ તેવી શક્યતા
નોંધનીય છે કે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)એ સારું પ્રદર્શન કર્યું છે. I.N.D.I.A ગઠબધન સાથે પાર્ટીએ મહારાષ્ટ્રમાં 21 લોકસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 9 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં ઓક્ટોબર અથવા નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેવી શક્યતા છે, જેના માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં સારા પરિણામ બાદ હવે વિધાનસભાની તમામ બેઠકો પર ઉદ્ધ ઠાકરે કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં પણ એકલા હાથે ચૂંટણી લડી શકે તેવી ચર્ચા થઈ રહી છે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.