'મને આમંત્રણની જરૂર નથી, જ્યારે મન કરશે ત્યારે અયોધ્યા જઇશ..' ઉદ્ધવના ભાજપ પર આક્રમક પ્રહાર
અયોધ્યામાં રાજકીય કાર્યક્રમ ન કરવો જોઈએ : ઉદ્ધવ ઠાકર
Uddhav thackeray on Ayodhya Ram Mandir : અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે અને 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેમાં અનેક મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આ અંગે નિવેદન આપ્યું છે કે મને આમંત્રણની જરૂર નથી અને જ્યારે મારુ મન કરશે ત્યારે હું અયોધ્યા જઈશ.
હું જ્યારે ઈચ્છું ત્યારે અયોધ્યા જઈશ : ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના (UBT) જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે કહ્યું હતું કે તેમને ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું નથી અને ન તો મને ભગવાન રામના દર્શન માટે કોઈના આમંત્રણની જરૂર છે. હું જ્યારે ઈચ્છું ત્યારે અયોધ્યા જઈશ. ભાજપ પર નિશાન સાધતા ઉદ્ધવે કહ્યું કે અયોધ્યામાં રાજકીય કાર્યક્રમ ન કરવો જોઈએ. ભગવાન રામ કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષની સંપત્તિ નથી. આ ઉપરાંત ઠાકરેએ કહ્યું કે રામ મંદિરના નિર્માણમાં દરેકે પોતાનું યોગદાન આપ્યું છે અને પાર્ટી વતી અમે ફંડ પણ આપ્યું છે.
લાખો કાર સેવકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યું : ઠાકરે
તેમણે આગળ કહ્યું કે મને આમંત્રણ મળ્યું કે નહીં એ મુદ્દો નથી, પરંતુ માત્ર એક વ્યક્તિએ આનો શ્રેય લેવો જોઈએ નહીં. રામ મંદિર અને હિંદુત્વને સમર્થન આપવા માટે ચૂંટણી પંચ દ્વારા બાળ ઠાકરેનો મતદાન અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો અને લાખો કાર સેવકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે ત્યારે મંદિર ટ્રસ્ટે ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા રાજકીય પક્ષોના નેતાઓને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું નથી.