શરદ પવારે પાઘડી પહેરાવી શિંદેનું સન્માન કરતાં ઉદ્ધવ ઠાકરે નારાજ, ભાજપે કર્યો કટાક્ષ
Image Source: Twitter
Maharashtra Politics: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સત્તા પરથી બહાર થયા બાદ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. બ્લોકમાં તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ગઠબંધનની અંદરથી જ કેટલાક એવી અવાજ ઉઠી રહી છે કે જો કોંગ્રેસ અને AAPએ સાથે મળીને ચૂંટણી લડી હોત તો કદાચ પરિણામ અલગ હોત. આ તમામ ચર્ચાઓ વચ્ચે I.N.D.I.A. બ્લોકમાં એક નવો મોરચો ખુલ્યો છે. આ બ્લોકમાં મહારાષ્ટ્રની અંદર ઘમાસાણ મચી ગયું છે. ત્યાં I.N.D.I.A. બ્લોક પાર્ટીઓ વિપક્ષી મહા વિકાસ આઘાડીના બેનર હેઠળ છે. તેમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસ સામેલ છે.
મહાદાજી શિંદે
મંગળવારે NCP (SP) ના નેતા શરદ પવારે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અવસર પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને પાઘડી પહેરાવીને મહાદાજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન તેમણે શિંદેના વખાણ પણ કર્યા હતા. મહાદાજી શિંદેને મરાઠી ઓળખ અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. મરાઠા સામ્રાજ્યના ઈતિહાસમાં મહાદાજી શિંદે ખૂબ જ શક્તિશાળી યોદ્ધા તરીકે જાણીતા છે. 1761માં પાણીપતના યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો. મહાદજી શિંદેએ 10 વર્ષ બાદ 1771માં તે હારનો બદલો લીધો અને દિલ્હીમાં ભગવો લહેરાવ્યો હતો.
શરદ પવાર પર પહેલી વાર સીધો હુમલો
મહાદજી શિંદેના નામની પાઘડી એકનાથને પહેરાવવાની વાતે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ને ખટકી ગઈ. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, 'શિવસેનાનું વિભાજન કરનાર અને 'મહારાષ્ટ્રને નબળું પાડનાર' વ્યક્તિનું સન્માન કરવાથી મરાઠી લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે.'
આ પહેલી વાર છે જ્યારે શિવસેના (UBT) એ પવાર પર સીધો હુમલો કર્યો છે. પવારને 2019માં રચાયેલી મહા વિકાસ આઘાડી (MVA) ના મુખ્ય વાસ્તુકાર માનવામાં આવે છે, જે ત્રણ અલગ-અલગ રાજકીય વિચારધારાઓ ધરાવતા પક્ષોનું ગઠબંધન છે. રાજ્યમાં નવેમ્બર 2019થી જૂન 2022 સુધી MVA સત્તામાં હતું.
સંજય રાઉતે કહ્યું કે, એ શિંદે જ હતા જેમણે અમિત શાહની મદદથી શિવસેનાનું વિભાજન કર્યું હતું અને તેમનું સન્માન કરવું એ ભાજપના નેતાનું સન્માન કરવા જેવું છે. શરદ પવારે આ કાર્યક્રમમાં હાજરી ન આપવી જોઈતી હતી કારણ કે, શિંદેએ 2022માં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકાર સાથે વિશ્વાસઘાત કરીને પાડી દીધી હતી.
દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, 'રાજકારણમાં કેટલીક બાબતોથી બચવું જોઈએ. ગઈકાલે શરદ પવારે શિંદેનું સન્માન ન કર્યું પરંતુ તેમણે અમિત શાહનું સન્માન કર્યું છે. આ અમારી ભાવના છે. જેને આપણે મહારાષ્ટ્રનો દુશ્મન માનીએ છીએ તેને આટલું માન આપવું એ મહારાષ્ટ્રના ગૌરવનું અપમાન છે. પવારે કદાચ અલગ રીતે વિચાર્યું હશે, પરંતુ મહારાષ્ટ્રના લોકોને આવી રાજનીતિ પસંદ ન આવી.'
આ પણ વાંચો: 'વેચાઈ ગયા છે બધા..', શરદ પવારે એકનાથ શિંદેને ઍવોર્ડ આપ્યો તો ઉદ્ધવ સેનાએ કર્યો કટાક્ષ
રાઉતે આગળ કહ્યું કે, 'અમે તમારી દિલ્હીની રાજનીતિ નથી સમજતા પરંતુ રાજકારણ તો અમે પણ જાણીએ છીએ.' કાર્યક્રમ દરમિયાન પવારે કહ્યું કે, 'શિંદે એવા નેતાઓમાંથી એક છે જેમણે થાણેની રાજનીતિને યોગ્ય દિશામાં લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 50 વર્ષોમાં શિંદે એવા નેતાઓમાંના એક છે જેઓ નાગરિક મુદ્દાઓથી સારી રીતે વાકેફ છે.'
રાઉતે કહ્યું કે, 'પવાર સાહેબ પાસે ખોટી માહિતી છે. થાણેના રાજકારણને યોગ્ય દિશામાં લઈ જનાર શિવસેના જ હતી. થાણેના વિકાસની શરૂઆત થાણેના પ્રથમ મેયર સતીશ પ્રધાનના કાર્યકાળ દરમિયાન થઈ હતી.'
આ મુદ્દે આદિત્ય ઠાકરેએ કહ્યું કે, હું શરદ પવારની ઉંમર, વરિષ્ઠતા અને સિદ્ધાંતો પર વાત નહીં કરીશ. પરંતુ એ અમારો સિદ્ધાંત છે કે આપણે શિંદે જેવી વ્યક્તિનો આદર ન કરવો જોઈએ. જે મહારાષ્ટ્રનો દેશદ્રોહી છે તે દેશનો પણ દેશદ્રોહી છે. I.N.D.I.A. ગઠબંધન અંગે આદિત્ય ઠાકરેએ કહ્યું કે, I.N.D.I.A. બ્લોકમાં સહિયારું નેતૃત્વ છે. ત્યાં કોઈ નેતા નથી. આ લડાઈ કોઈના અહંકાર કે કોઈના ફાયદા માટે નથી પણ દેશના ભવિષ્ય માટે છે.
NCPનો જવાબ
NCP (SP) સાંસદ અમોલ કોલ્હેએ એક સવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'રાઉત પોતાનો અંગત અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આ કાર્યક્રમ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનો એક ભાગ હતો. શરદ પવારે એક નેતાની ભૂમિકા ભજવી, જ્યાં દરેક બાબતમાં રાજકારણને ન લાવી શકાય. મને નથી લાગતું કે આમાં કંઈ ખોટું છે. શરદ પવાર આ કાર્યક્રમ (સ્વાગત સમિતિ) ના અધ્યક્ષ છે.'
રોહિત પવારે કહ્યું કે, રાઉતની પ્રતિક્રિયા આશ્ચર્યજનક હતી કારણ કે મહારાષ્ટ્રમાં યશવંતરાવ ચવ્હાણ અને બાલ ઠાકરે જેવા સભ્ય રાજકીય નેતાઓની પરંપરા હતી અને વરિષ્ઠ પવારે આ પરંપરાને આગળ ધપાવી અને ક્યારેય રાજકીય મતભેદોને સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અવરોધ ન બનવા દીધા.
ભાજપે કર્યો કટાક્ષ
પવાર દ્વારા શિંદેને સન્માનિત કરવા પર રાઉતની નારાજગી અંગે પૂછવામાં આવતા ભાજપના મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે NCP (શરદચંદ્ર) પ્રમુખે એક રીતે એ વાતનું સમર્થન કર્યું છે કે શિવસેનાના પ્રમુખે મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે કરતાં વધુ સારું કામ કર્યું છે.
ભાજપના નેતાએ દાવો કર્યો કે, પવારે પોતાની આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે કે, 2019 અને 2022 વચ્ચે જ્યારે ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે માત્ર બે વાર મંત્રાલયની મુલાકાત લીધી હતી. ત્યારે હવે ભાજપ નેતાએ કહ્યું કે, તેનાથી વિપરીત શિંદેએ મુખ્યમંત્રી તરીકે દિવસમાં 22 કલાક કામ કર્યું છે.
બાવનકુલેએ કહ્યું કે પવારને સમજવામાં સમય લાગ્યો કે ઠાકરેએ રાજ્યને નુકસાન પહોંચાડ્યું છે જ્યારે શિંદેએ રાજ્યને પ્રગતિના માર્ગ પર મૂક્યું છે.
પવારે શિંદેનું સન્માન ન કરવું જોઈતું હતું તેવી રાઉતની ટિપ્પણી પર ભાજપ નેતાએ કહ્યું કે, 'મને લાગતું હતું કે શરદ પવાર સંજય રાઉતને માર્ગદર્શન આપતા હતા પરંતુ એવું લાગે છે કે રાઉત હવે તેમને સૂચનો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાઉત હજુ સુધી મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિને નથી સમજી શક્યા. મને પવાર માટે ખરાબ લાગી રહ્યું છે.'
તેમણે અમિત શાહ અંગે ખરાબ બોલવા બદલ રાઉતની ટીકા પણ કરી. બાવનકુલેએ કહ્યું કે, રાઉત કેન્દ્રીય ગૃહમંત્રીના દરજ્જાની બરાબરી ન કરી શકે. શું રાઉતે ક્યારેય ચૂંટણી લડી છે? શાહે 11 ચૂંટણી લડી છે. રાઉતે કાળજીપૂર્વક બોલવું જોઈએ અને હાસ્યનો વિષય બનવાથી બચવું જોઈએ.