ઉદ્ધવ ઠાકરેને રામમંદિરનું આમંત્રણ 'સ્પીડ પોસ્ટ'થી મોકલાયું, સંજય રાઉતે કહ્યું- ભગવાન શ્રાપ આપશે

અગાઉ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન આપવા પર તેમણે ભાજપની ટીકા કરી હતી

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
ઉદ્ધવ ઠાકરેને રામમંદિરનું આમંત્રણ 'સ્પીડ પોસ્ટ'થી મોકલાયું, સંજય રાઉતે કહ્યું- ભગવાન શ્રાપ આપશે 1 - image


Uddhav Thackeray Invitation : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક દિવસ બાદ ભવ્ય નિર્માણાધીન રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratistha ceremony)ની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમમાં અનેક આમંત્રિત હસ્તિઓ ઉપસ્થિત રહેનાર છે ત્યારે હવે કાર્યક્રમના બે દિવસ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને મહોત્સવમાં હાજરી આપવા માટેનું આમંત્રણ મળ્યું છે. જો કે તેમને આ આમંત્રણ સ્પીડ પોસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં ન આવતા તેમણે ભારતીય જનતા પાર્ટી  (BJP)ની ટીકા કરી હતી.

સ્પીડ પોસ્ટમાં આમંત્રણ મોકલતા પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી

રામ મંદિરમાં સોમવારે થનારા પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના કાર્યક્રમનું આમંત્રણ સ્પીડ પોસ્ટમાં મોકલવામાં આવતા હવે પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે અને આ અંગે સંજય રાઉતે કહ્યું હતું કે "ભગવાન રામ શ્રાપ આપશે." રાઉતે વધુમાં કહ્યું કે ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટિને રામજન્મભૂમિ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં ખાસ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને તમે (ભાજપ) ઠાકરે પરિવાર સાથે આવું વર્તન કરી રહ્યા છો જેમણે રામ જન્મભૂમિ આંદોલનમાં મુખ્ય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભગવાન રામ ભાજપને માફ નહીં કરે અને શ્રાપ આપશે. તમે (ભાજપ) ભગવાન રામને પ્રાર્થના કરો  છો અને રાવણની જેમ સરકાર ચલાવી રહ્યા છો.

મંદિર જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી - ઉદ્ધવ ઠાકરે

આ અગાઉ આમંત્રણ ન મળવા પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મારે રામ મંદિરના દર્શન માટે કોઈ આમંત્રણની જરૂર નથી અને આ પહેલા પણ હું ઘણી વખત ત્યાં જઈ ચુક્યો છુ. આ દરમિયાન તેમણે માંગ ઉઠાવી હતી કે પીએમ મોદીના બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે રામ મંદિર એ મારા પિતા બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન હતું.

ઉદ્ધવ ઠાકરેને રામમંદિરનું આમંત્રણ 'સ્પીડ પોસ્ટ'થી મોકલાયું, સંજય રાઉતે કહ્યું- ભગવાન શ્રાપ આપશે 2 - image


Google NewsGoogle News