'PM મોદી એક્શન લે કાં સત્તા છોડે...' આંબેડકર મુદ્દે શાહના નિવેદન પર ભડક્યા ઉદ્ધવ ઠાકરે
Uddhav Thackeray Attack On Amit Shah : ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અંગે આપેલા નિવેદન મુદ્દે ભારે હોબાળો થયો છે. કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત ઘણાં પક્ષોએ ભાજપને ઘેરવાના પ્રાયસો શરુ કરી દીધા છે અને અમિત શાહ માફી માંગે, તેવી માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ અમિત શાહ પર પ્રહારો કર્યા છે.
વડાપ્રધાને અમિત શાહ સામે કાર્યવાહી કરવી જોઈએ : ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ શાહ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અથવા તેઓ સત્તા છોડી દે. વાસ્તવમાં રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આજના સમમયાં ભીમરાવ આંબેડકરનું નામ લેવું ફેશન બની ગયું છે. કેટલાક લોકો આંબેડકર, આંબેડકર કરતાં રહે છે, પરંતુ જો તેઓ એટલું ભગવાનનું નામ બોલે તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જશે.’
ભાજપ-શાહ RSS પાસેથી આવા નિવેદન આપતાં શીખ્યા : ઠાકરે
કોંગ્રેસે અમિત શાહના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. પ્રિયકા ગાંધી અને રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસના સાંસદોએ દેખાવો કર્યા છે. આ ઉપરાંત અન્ય પક્ષો પણ ભડક્યા છે. આ દરમિયાન શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘ભાજપ ઇચ્છે છે કે, આંબેડકરનું નામ ખતમ થઈ જાય, પરંતુ તેઓ પોતે જ ખતમ થઈ જશે. એવું લાગે છે કે, ભાજપ અને અમિત શાહને આવા નિવેદન આપવાનું ટ્યુશન આરએસએસ પાસેથી મળ્યું છે. અમે તેમના નિવેદન વિરુદ્ધ ટૂંક સમયમાં પ્રદર્શન કરીશું. મારા દાદા પ્રબોધાંકર ઠાકરેના બાબાસાહેબ સાથે સારા સંબંધો હતા. બંને એકબીજાના નજીકના હતા.’