હિન્દુત્વ પર ભાજપનો એકલાનો ઈજારો નથી, રાહુલ મોદી-શાહને ભારે પડ્યાં, ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
Uddhav Thackeray defends Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુત્વ વિશે કશું જ ખોટું કહ્યું નથી કે હિન્દુત્વનું અપમાન પણ કર્યું નથી. ભાજપ એટલે જ હિન્દુત્વ એવું નથી અમે પણ હિન્દુ છીએ. વાસ્તવમાં એકલા રાહુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ બંને પર ભારે પડી રહ્યા છે એમ શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના વકતવ્યનો બચાવ કરતાં જણાવ્યું છે.
ઈન્ડિયા ગઠબંધન રાહુલના સહયોગમાં આગળ આવ્યું
'હિન્દુ કદી હિંસા કરી શકે નહીં, ક્યારેય નફરત અને ડર ફેલાવે નહીં, પરંતુ આ હિન્દુઓ 24 કલાક નફરત અને હિંસાનું રાજકરણ કરે છે.' આમ જણાવવાની સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે ભાજપ અને આરએસએસ જ નફરત અને હિંસાની વાતો કરે છે. નરેન્દ્ર મોદી જ હિન્દુ સમાજ નથી, માત્ર ભાજપ અને સંઘ જ હિન્દુત્વના ઠેકેદાર નથી. લોકસભામાં રાહુલ ગાંધીના આ નિવેદનથી ભારે હોબાળો મચ્યો છે. ભાજપે રાહુલ ગાંધી પાસે હિન્દુઓની માફીની માગણી કરી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન રાહુલના સહયોગમાં આગળ આવ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ કર્યો રાહુલનો બચાવ
રાહુલને લોકસભામાં ભગવાન શિવની તસવીર રજૂ કરતાં અટકાવવામાં આવ્યા હતા એ મુદ્દો ઉઠાવતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે પીએમ મોદી પોતે ચૂંટણી સભાઓમાં જય શ્રી રામના નારા ગજવે ત્યારે કોઈ વાંધો લેતું નથી પરંતુ લોકસભામાં કોઈ એવું કરવા ધારે તો તેને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. આ ભાજપનું બેવડું વલણ છે. એકલાં ભાજપે જ કાંઈ હિન્દુત્વનો ઈજારો લીધો નથી. અમે પણ હિન્દુ છીએ. અમારામાંથી કોઈએ હિન્દુત્વનું અપમાન કર્યું નથી અને કોઈને કરવા દઈશું પણ નહીં.
રાહુલે લોકસભામાં આપેલાં પ્રવચનની પ્રશંસા
દરમિયાન, શિવસેના-યુબીટીનાં મુખપત્ર 'સામના'ના સંપાદકીય લખાણમાં પણ રાહુલે લોકસભામાં આપેલાં પ્રવચનની છૂટા હાથે પ્રશંસા કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે રાહુલ એકલા હાથે પીએમ મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પર ભારે પડ્યા છે. રાહુલ ગાંધીએ મોદી અને શાહના હિન્દુત્વના મુખવટાને ભેદી નાખ્યો છે.