'મણિપુર મુદ્દે મોઢામાં દહીં જામી જાય છે...' મોદી સરકાર પર ઉદ્ધવ ઠાકરેની સેનાના આક્રમક પ્રહાર
Shiv Sena Attack On PM Modi: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. વિપક્ષી જૂથ એમવીએ સતત સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. હવે શિવસેના (ઉદ્ધવ જૂથ)એ NDAની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેના (UBT)એ પોતાના 'મુખપત્ર' સામના દ્વારા મણિપુર હિંસા પર પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. સામના દ્વારા શિવસેના (UBT)એ મોદી સરકાર પર મણિપુર હિંસાને રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.
મણિપુર મુદ્દે સરકારને ઘેરી
સામનામાં શિવસેના (UBT)એ કહ્યું કે, મોદી સરકાર રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે પરંતુ મણિપુરમાં સતત થઈ રહેલી હિંસા પર કોઈ નક્કર પગલાં નથી લઈ રહી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે, મણિપુર હિંસા મુદ્દે મોદી સરકારના મોઢામાં દહીં જામી જાય છે.
છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે હિંસા
સામના મુખપત્રમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી મણિપુર હિંસાની લપેટમાં છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર કંઈ નથી કરી રહી. હિંસામાં 200થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારે જનતાને બીરેન સિંહ અને આસામ ભાગી ગયેલા રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યના હવાલે કરી દીધી છે.