સનાતન વિરોધી સ્ટાલિને હવે ભગવાન રામ વિરુદ્ધ ઝેર ઓક્યું, કહ્યું- મસ્જિદ તોડીને મંદિર બને તે અસ્વીકાર્ય
ગત વર્ષે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા અને કોરોના વાયરસ સાથે કરી હતી
નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી 2024, ગુરૂવાર
Udayanidhi Stalin Controversial Statement on Ayodhya Ram Temple : સનાતન ધર્મ પર વિવાદ છંછેડ્યા બાદ તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને હવે અયોધ્યા રામ મંદિર અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ડીએમકે કોઈપણ આસ્થા અથવા ધર્મનો વિરોધી નથી, પરંતુ અમે મસ્જિદ તોડીને મંદિર બનાવવા સાથે સહમત નથી.’
‘આધ્યાત્મવાદ અને રાજકારણને ન મિલાવો’
તેમણે કહ્યું કે, ‘કરુણાનિધિ હંમેશા કહેતા હતા કે, ડીએમકે કોઈપણ આસ્થા અથવા ધર્મનો વિરોધી નથી. મંદિર બનાવવું સમસ્યા નથી, પરંતુ અમે મસ્જિદ તોડી ત્યાં મંદિર બનાવવા સાથે સહમત નથી. આધ્યાત્મવાદ અને રાજકારણને ન મિલાવો.’
ઉદયનિધિએ અગાઉ સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
સ્ટાલિન હંમેશા સનાતન અને હિન્દુ ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન કરી સતત ચર્ચામાં રહેતો હોય છે. તેમણે સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મેલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘સનાતનનો માત્ર વિરોધ નહીં, પરંતુ સમાપ્ત કરી દેવો જોઈએ. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને ખતમ જ કરી દેવો જોઈએ. આપણે ડેન્ગ્યૂ, મચ્છર, મેલેરિયા અથવા કોરોનાનો વિરોધ કરી શકતા નથી, આપણે તેને નાબુદ કરવો છે, તે રીતે સનાતનને પણ નાબુદ કરવાનો છે.’
ઉદયનિધિ કોણ છે?
ઉદયનિધિ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ નેતા સ્વ.એમ.કરુણાનિધિના પૌત્ર છે, જ્યારે તેમના પિતા એમ.કે.સ્ટાલિન ડીએમકેના વડા અને તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી છે. ગત વર્ષે જ ઉદયનિધિને સ્ટાલિન સરકારમાં રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી બનાવાયા હતા. ઉપરાંત તેઓ ડીએમકેના યુવા વિંગના રાજ્ય સચિવ પણ છે.