ઉદયપુર બબાલ મામલે તંત્રની આ કેવી કાર્યવાહી? આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું?
Udaipur Stabbing Incident : ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, તંત્ર દ્વારા આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે.
આરોપીના ગેરકાયદેસર ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું
ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ગેરકાયદેસર ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યું છે. આ દરમિયાન બુલડોઝર ચલાવતી વખતે પોલીસને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આરોપીનો પરિવાર આ ઘરમાં ભાડેથી રહેતો હતો.
આ પણ વાંચો : ઉદયપુર બાદ જયપુરમાં તંગદિલી, સ્કૂટી સવારને એટલો માર્યો કે મૃત્યુ પામી ગયો, લોકોએ ધરણાં શરુ કર્યા
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની હાલત હજુ નાજુક
ચાકુબાજીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીની હાલત હજુ નાજુક છે, ત્યારે ડૉક્ટરની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. જે હૉસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે ત્યાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.
શું હતી આખી ઘટના
મળતી માહિતી પ્રમાણે, સમગ્ર ઘટના ગત શુક્રવારની (16 ઑગસ્ટ) સવારે બની હતી. જ્યારે થોડા દિવસો પહેલા બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગઈ કાલે એક વિદ્યાર્થી તેની કૉલેજ બેગમાં ચાકુ લઈને આવ્યો અને અન્ય બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ પછી ક્લાસરૂમમાં અવાજ થતાં સ્કૂલ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : 'દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ, મહિલાઓ સુરક્ષાની આશા કોની પાસે રાખે..' પ્રિયંકા ગાંધીની આકરી પ્રતિક્રિયા
ઘટનાને લઈને ટોળાએ વાહનોમાં આગ ચાંપી
સમગ્ર ઘટનાની જાણકારી લોકોને થવાની સાથે મોટી સંખ્યામાં ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને બહાર પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો કરવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત, ટોળાએ કેટલાક વાહનોમાં આગ પણ લગાવી હતી. આ પછી શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. તેવામાં સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે આવીને સ્થિતિ કાબૂમાં કરી હતી. બીજી તરફ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા શુક્રવાર રાતના 10 વાગ્યાથી શનિવાર રાતના 10 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 163 કલમ લાગુ કરવામાં આવી છે.