ઉદયપુર રાજવી પરિવારમાં વિવાદ અટક્યો! સિટી પેલેસ જઈને વિશ્વરાજસિંહ મેવાડે કર્યા ધૂણી દર્શન
Udaipur Royal Family Controversy: ઉદયપુરના પૂર્વ મેવાડ રાજવી પરિવારમાં પ્રોપર્ટીને લઈને વિવાદ સર્જાયો હતો. વિવાદને લઈને વાત એટલી હદે બગડી હતી કે સિટી પેલેસની બહાર પથ્થરમારો થઈ ગયો હતો. જો કે, હવે વિવાદ ઉકેલાયો છે. વિશ્વરાજ સિંહ મેવાડ સિટી પેલેસની અંદર ગયા છે. તેમણે પોલીસ અને જિલ્લા તંત્રના અધિકારીઓની હાજરીમાં પવિત્ર માનવામાં આવતી ધૂણીને નમન કર્યા.
શું છે રાજવી પરિવારમાં વિવાદનું કારણ?
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ઉદયપુર રાજવી પરિવાર વચ્ચે વિવાદ વકર્યો હતો. ચિતોડમાં મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના દીકરા વિશ્વરાજ સિંહ મેવાડનું રાજતિલક થયું, પરંતુ ત્યારબાદ ધૂણી દર્શનને લઈને વિવાદ થઈ ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે વિશ્વરાજ સિંહ મેવાડ પોતાના સમર્થકોની સાથે ઉદયપુરના સિટી પેલેસમાં ધૂણી દર્શન માટે પહોંચ્યા અને તેમને મહેલમાં પ્રવેશ ન કરવા દેવાયો.
ત્યારબાદ સ્થિતિ એટલી તણાવપૂર્ણ બની ગઈ કે મોડી રાત સુધી મહેની બહાર અને અંદર લોકો વચ્ચે પથ્થરમારો થયો. પોલીસ કાફલો ખડકી દેવાયો તેમ છતા વિવાદ અટકી રહ્યો ન હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા તંત્રના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચ્યા. ઉદયપુરના ડીએમ અને સિટી એસપી પણ હાજર રહ્યાં.
વિશ્વરાજ સિંહનું રાજતિલક હતું અધૂરું
મેવાડની પરંપરા અનુસાર, રાજતિલક ત્યાં સુધી અધૂરું માનવામાં આવે છે, જ્યાં સુધી ધૂણી દર્શન અને એકલિંગજીના દર્શન ન કરી લેવામાં આવે. જો કે, ધૂણી દર્શનને લઈને વિવાદના કારણે વિશ્વરાજ સિંહ મેવાડનું રાજતિલક હજુ અધૂરું જ માનવામાં આવી રહ્યું છે. રાજવી પરિવારની પરંપરાઓ અનુસાર, આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
સંપત્તિને લઈને ચાલી રહ્યો છે વિવાદ
મેવાડના રાજવી પરિવારના બે મુખ્ય પરિવારો વચ્ચે સંપત્તિને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ અને મહેન્દ્ર સિંહ બંને ભાઈ છે અને તેમની વચ્ચે સંપત્તિના અધિકારોને લઈને કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે એકલિંગજી મંદિર અને સિટી પેલેસ સહિતની કેટલીક સંપત્તિઓ સામેલ છે, જ્યાં અરવિંદ સિંહ ટ્રસ્ટના સર્વેયર તરીકે કામ કરી રહ્યા છે. હાલમાં જ મહેન્દ્ર સિંહ મેવાડનું નિધન થયું, ત્યારબાદ તેમના દીકરા વિશ્વરાજ સિંહનું રાજતિલક થયું, પરંતુ ધૂણી દર્શનને લઈને વિવાદ થયો છે.
વિશ્વરાજ સિંહ જ્યારે મેવાડ સિટી પેલેસની અંદર જવા લાગ્યા તો ઉદયપુરમાં માર્ચ કાઢી રહેલા રાજપૂતોના વિશાળ સમૂહે તેમને ખભા પર ઉપાડી લીધા.. સમજૂતી દરમિયાન લક્ષ્યરાજને વિશ્વાસમાં લેવાયા. સાથે જ તેમનાથી આશ્વાસન પણ લેવાયું કે તેઓ અથવા તેમના સમર્થકો કોઈ મુશ્કેલી ઉભી નહીં કરે.
આ પહેલા વિવાદને લઈને લક્ષ્યરાજે પોતાના પિતરાઈ ભાઈ વિશ્વરાજ સિંહ મેવાડ પર પ્રહાર કર્યા હતા. સાથે જ કહ્યું હતું કે, 'બીજો પક્ષ આ સ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો બીજા પક્ષને કોઈ તકલીફ છે, તે તેઓ કાયદાનો સહારો લઈ શકે છે. પરંતુ બીજો પક્ષ આ સ્થિતિથી રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેટલાક લોકો પોતાના રાજકીય પ્રભારનો ઉપયોગ કરીને અમારા ઘરમાં ઘૂસવા માગે છે.'
'કેટલાક લોકો અંગત સ્વાર્થ માટે તંત્ર પર પ્રેશર બનાવી રહ્યા છે'
અરવિંદસિંહના દીકરા લક્ષ્યરાજ સિંહ મેવાડે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'અનુષ્ઠાનના નામ પર લોકોના જીવ જોખમમાં નાખવા યોગ્ય નથી. સરકારમાં બેઠેલા કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે તંત્ર પર પ્રેશર બનાવી રહ્યા છે અને જબરદસ્તી તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
લક્ષ્યરાજ સિંહે કહ્યું કે, 'જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું, અમને આશા છે કે તંત્ર અને સરકાર સત્યની સાથે ઉભી છે અને ન્યાય કરશે. અમે હંમેશા કોર્ટનો દરવાજો ખટખટાવી શકીએ છીએ. કાયદો પોતાના હાથમાં લેવો અને ખુદને કાયદાથી ઉપર સમજવા યોગ્ય નથી. અમે 40 વર્ષ પહેલા પણ એવી જ સ્થિતિનો સામનો કર્યો હતો, અમે તેમને ખોટા દ્રષ્ટિકોણનો કાયદાની મદદથી જવાબ આપીશું. તેમના દાવા ખોટા છે અને સિટી પેલેસની અંદર મંદિર તમામ માટે ખુલ્લુ છે, બેફીકર તેઓ જવાબદારીથી આવે.'