યુકો બેંકે રૃ. ૮૨૦ કરોડમાંથી રૃ. ૭૦૫ કરોડ રિકવર કર્યા
કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાને આપેલી માહિતી
નવેમ્બરમાં ભૂલથી બેંકના ૪૧૦૦૦ ખાતાઓમાં કુલ ૮૨૦ કરોડ રૃપિયા જમા થયા હતાં
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
નવેમ્બરમાં વિવિધ ખાતાઓમાં ભૂલથી જમા થઇ ગયેલા કુલ ૮૨૦ કરોડ
રૃપિયામાંથી યુકો બેંકે ૭૦૫.૩૧ કરોડ રૃપિયા એકત્ર કરી લીધા છે તેમ કેન્દ્રીય નાણા
મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન ભગવત કરાદે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યુકો બેંકની આઇએમપીએસ પેમેન્ટ ચેનલમાં
ટેકનિકલ ખામી સર્જાવાને કારણે બેંકના ૪૧૦૦૦ ખાતાઓમાં ભૂલથી ૮૨૦ કરોડ રૃપિયા જમા થઇ
ગયા હતાં.
આ સંદર્ભમાં બેંકે ૧૫ નવેમ્બરના રોજ પોતાના બે સપોર્ટ
એન્જિનિયર અને અન્ય અજાણ્યા શખ્સો સામે સીબીઆઇમાં એફઆઇઆર દાખલ કરી હતી.
ત્યારબાદ સીબીઆઇએ પાંચ ડિસેમ્બરે પશ્ચિમ બંગાળ અને
કર્ણાટકમાં ૧૩ સ્થળોએ દરોડા પાડયા હતાં. આ દરોડા દરમિયાન મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર
સિસ્ટમ, ડેબિટ
અને ક્રેડિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે આ ટેકનિકલ ખામી ઇન્ટરબેંક મોબાઇલ અથવા
ઇમિજિએટ પેમેન્ટ સિસ્ટમ (આઇએમપીએસ)માં સર્જાઇ હતી . આઇએમપીએસ ૨૪ કલાક ચાલતી
ઇન્સ્ટન્ટ ડોમેસ્ટિક ફંડ ટ્રાન્સફર ફેસિલિટી છે. આ સિસ્ટમનો ઉપયોગ ઇન્ટરનેટ બેંકિગ, મોબાઇલ બેંકિગ એપ, એટીએમ અને બેંકની
શાખાઓમાં કરવામાં આવે છે.
કરાદે નાણાકીય સેક્ટરમાં સાયબર સિક્યુરિટી પડકારોનો સામનો
કરવા માટે સરકારે લીધેલા પગલાઓની માહિતી આપી હતી. આ સંદર્ભમાં કેન્દ્રીય નાણા
મંત્રાલયે ૨૮ નવેમ્બરે બેઠક યોજી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાણાકીય છેતરપિંડી અંગે
સરળતાથી ફરિયાદ થઇ શકે તે માટે સરકારે સિટિઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટીંગ
એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમની રચના કરી છે. આ સિસ્ટમને કારણે ચાર ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ચાર
લાખથી વધુ કેસોમાં ૧૦૦૦ કરોડ રૃપિયાથી વધુ રકમ બચાવી શકાઇ છે.