Get The App

એકથી વધુ લગ્ન પર રોક, લિવ ઈન અને સંપત્તિ માટે પણ કડક નિયમ: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
UCC Implemented in Uttarakhand


UCC Implemented in Uttarakhand: ઉત્તરાખંડમાં આજથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં ઘણું બદલાઈ જશે. જેમાં લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત છે. આ માટે ગ્રામસભા સ્તરે નોંધણીની સુવિધા હશે. તેમજ દરેક વ્યક્તિ માટે તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો લાગુ થશે.

UCC લાગુ થતા થશે આ ફેરફારો

- UCC લાગુ થયા બાદ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. નોંધણીની સુવિધા દરેક ગ્રામસભા સ્તરે પણ ઉપલબ્ધ રહેશે.

- કોઈપણ વ્યક્તિ માટે તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો હશે. હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો આ બાબતોને તેમના અંગત કાયદા દ્વારા ઉકેલે છે.

- આ સિવાય રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે. તેમજ છોકરીઓના લગ્નની ઉંમર જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. એટલે કે છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષ હશે.

- UCC લાગુ થયા બાદ તમામ ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. જો કે, અન્ય ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં.

- UCC લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થઈ જશે. વારસામાં છોકરીઓને છોકરાઓની જેમ સમાન હિસ્સો મળશે.

- ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ કપલ્સ માટે લિવ-ઈન રિલેશનશિપની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. જો દંપતીની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોય તો તેમણે રજીસ્ટ્રેશન દરમિયાન તેમના માતા-પિતાનો સંમતિ પત્ર પણ આપવો પડશે. તેમજ જો UCC હેઠળ, લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન બાળકનો જન્મ થાય છે તો જન્મેલા બાળકને પણ વિવાહિત યુગલના બાળક જેટલો જ અધિકાર મળશે.

- યુનિફોર્મ સિવિલ કોડના નિયમો અને કાયદામાંથી હાલ અનુસૂચિત જનજાતિને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે. 

- આ સિવાય ટ્રાન્સજેન્ડર અને પૂજા અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.

2022માં UCCનો અમલ લાવવાની જાહેરાત કરી હતી 

ઉત્તરાખંડમાં UCCનો અમલ એ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કરવામાં આવેલા મુખ્ય વચનોમાંનું એક હતું. માર્ચમાં ફરી સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્ત્વમાં કેબિનેટની પહેલી જ બેઠકમાં UCC પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી અને તેનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી હતી.

લગભગ અઢી વર્ષ પહેલા કરવામાં આવી હતી આ કમિટીની રચના

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 27 મે, 2022ના રોજ એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે લગભગ દોઢ વર્ષમાં વિવિધ વિભાગો સાથેની વાતચીતના આધારે ચાર ભાગમાં તૈયાર કરાયેલ તેનો વિગતવાર અહેવાલ 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ રાજ્યને સરકાર સોંપવામાં આવ્યો હતો. યુસીસી બિલ 7 ફેબ્રુઆરી, 2024ના રોજ રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રમાં પસાર કરવામાં આવ્યું હતું અને એક મહિના પછી, 12 માર્ચ, 2024ના રોજ, રાષ્ટ્રપતિએ પણ તેની સંમતિ આપી હતી.

UCC લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બનશે

UCC એક્ટના અમલ પછી, ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ તેના અમલીકરણ માટે નિયમો તૈયાર કર્યા હતા, જેને તાજેતરમાં રાજ્ય કેબિનેટ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી. સોમવારે ઉત્તરાખંડ UCC લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે. આસામ સહિત દેશના ઘણા રાજ્યોએ ઉત્તરાખંડના યુસીસી એક્ટને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉત્તરાખંડ UCC લગ્ન, છૂટાછેડા, વારસો, લિવ-ઈન રિલેશનશિપ અને અન્ય સંબંધિત બાબતોનું નિયમન કરશે.

એકથી વધુ લગ્ન પર રોક, લિવ ઈન અને સંપત્તિ માટે પણ કડક નિયમ: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ 2 - image



Google NewsGoogle News