દેશમાં ટૂંકમાં યુસીસી, એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે : મોદી
- સરદાર પટેલની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાનનો હુંકાર
- રાષ્ટ્રીય એકતા તોડવાની મુરાદ ધરાવતા અર્બન નકસલી સક્રિય થયા છે, પરંતુ હમ એક હૈ તો સેફ હે : વડાપ્રધાન
- સંસદમાં શિયાળુ સત્રમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ રજૂ કરાશે
- કલમ 370 હંમેશ માટે જમીનમાં દાટી દેવાઈ છે, જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત મુખ્યમંત્રીએ ભારતીય બંધારણના શપથ લીધા
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરદાર વલ્લભભાઈ પટેલને ૧૪૯મી જન્મ જયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે રાષ્ટ્રીય એકતા દિવસ સમારંભમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ અને એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે. કલમ ૩૭૦નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેને હંમેશા માટે દફનાવી દેવામાં આવી છે. આ સાથે વડાપ્રધાન મોદીએ અર્બન નક્સલવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, સમાજને ગેરમાર્ગે દોરતો નક્સલવાદ દેશમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. હવે આદિવાસીઓને સરકારના યોજનાકીય લાભો મળી રહ્યા છે. હમ એક હૈ તો સેફ હૈ.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જણાવ્યું હતું કે, આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ અદ્ભૂત સંયોગ લઈને આવ્યો છે. એક તરફ આજે આપણે એકતા પર્વ ઊજવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીના તહેવારની પણ ઊજવણી થઈ રહી છે. દિવાળીનો તહેવાર માત્ર દેશને જ પ્રકાશિત નથી કરતો પરંતુ તેણે ભારતને અન્ય દુનિયા સાથે જોડવાનું પણ શરૂ કરી દીધું છે. આજે અનેક દેશો રાષ્ટ્રીય તહેવારની જેમ દિવાળી ઊજવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' દરખાસ્તને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે અને તે વાસ્તવિક્તા બની જશે. આ વર્ષની શરૂઆતમાં કેબિનેટે તેને મંજૂરી આપી દીધી હતી. હવે આ વર્ષના અંતમાં સંસદના શીયાળુ સત્રમાં તે રજૂ કરાશે. એક રાષ્ટ્ર એક ચૂંટણીનો આશય દેશમાં બધી જ ચૂંટણી એક જ દિવસે અથવા એક જ નિશ્ચિત સમય મર્યાદામાં એક સાથે કરવાનો છે. આ કાયદો દેશના લોકતંત્રને મજબૂત કરશે. ભારતના સંશાધનોનું ઈચ્છીત પરિણામ આપશે અને દેશને વિકસિત ભારત બનાવવાના સપનાને સાકાર કરવામાં નવી ગતિ મળશે. તેમણે ઉમેર્યું કે, દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા (યુસીસી) પણ ટૂંક સમયમાં લાગુ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેને હંમેશા માટે દફનાવી દેવામાં આવી છે. બંધારણનો પ્રચાર કરનારા જ તેનું સૌથી વધુ અપમાન કરે છે. દેશમાં એક બંધારણનો સંકલ્પ ભારતને આઝાદી મળ્યાના ૭૦ વર્ષ પછી પૂરો થયો છે. આ સરદાર સાહેબને મારી સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. ૭૦ વર્ષ સુધી દેશમાં બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લાગુ નહોતું થયું. કલમ ૩૭૦ દિવાલ બનીને ઊભી હતી. પરંતુ અમે તેને જમીનમાં દાટી દીધી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પહેલી વખત ભેદભાવ વિના મતદાન થયું હતું. ત્યાંના મુખ્યમંત્રીએ ૭૦ વર્ષમાં પહેલી વખત ભારતના બંધારણના શપથ લીધા છે.
તેમણે જણાવ્યું કે, વિકાસની મુખ્ય ધારામાંથી વંચિત રહેલા આદિવાસી સમાજને ભોળવી નકસલવાદને પોષવાનું કામ થતું હતું પરંતુ હવે આદિવાસી સમાજને યોજનાકીય લાભો આપી દેશ સાથે જોડવામાં આવતા જંગલ વિસ્તારનો નકસલવાદ અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. દેશના આર્થિક હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. દેશની સેનાને લક્ષ્ય બનાવી દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દેશની શાંતિને જાતપાતના નામ ઉપર ડહોળી વિભાજન કરી રહ્યા છે. જોકે, અર્બન નકસલીઓ સક્રિય થયા છે અને તેઓ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, દુનિયામાં અસ્થિરતા અને યુધ્ધ વચ્ચે ભારતે સમગ્ર વિશ્વને બુધ્ધનો શાંતિનો સંદેશ આપ્યો છે એમ કહેતા મોદીએ કહ્યું કે આટલી વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારત વિકાસના નવા માનકો સ્થાપી રહ્યું છે. ઝડપી આર્થિક વિકાસ માટે વિકસિત ભારત બનાવવા સમૃધ્ધ ભારત બનાવવા આ એકતા જરૂરી છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવશે. આગામી બે વર્ષ સુધી સરદાર સાહેબની સાર્ધ શતાબ્દિની ઉજવણી કરી તેમને સાચી કાર્યાંજલિ અર્પિત કરાશે.