કાશ્મીરમાં લાગ્યા પાકિસ્તાન ઝિન્દાબાદના નારા, 7 કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ, પોલીસે UAPA હેઠળ નોંધ્યો કેસ
SKUASTના એક બિન-કાશ્મીરી વિદ્યાર્થીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી
મેચ બાદ શ્રીનગરના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવાની માહિતી સામે આવી હતી
Image:Pixabay |
Jammu-Kashmir News : જમ્મૂ-કાશ્મીરના ગાંદરબેલમાં સ્થિત શેર-એ-કાશ્મીર યુનિવર્સીટી ઓફ એગ્રીકલ્ચરલ સાયંસ એન્ડ ટેકનોલોજી (SKUAST)ના 7 વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાશ્મીરી વિદ્યાર્થી(UAPA Slapped On SKUAST's 7 Kashmiri Students)ઓ પર 19 નવેમ્બરના રોજ ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ ઉજવણી કરવાનો અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો આરોપ છે. આ 7 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ એટલે કે UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
યુનિવર્સીટી હોસ્ટેલમાં 7 વિદ્યાર્થીઓએ ભારતની હાર બાદ કરી ઉજવણી
SKUASTના એક બિન-કાશ્મીરી વિદ્યાર્થીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું ત્યારે આ 7 વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી હોસ્ટેલમાં ઉજવણી કરી હતી. જેના કારણે તે અને તેના અન્ય સાથીઓ ડરી ગયા હતા. ડરેલા અને ગભરાયેલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ફટાકડા ફોડવા અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું. ફરિયાદ બાદ પોલીસે તાજેતરમાં આ સાત કાશ્મીરી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી ધરપકડ કરી હતી.
'જીવે જીવે પાકિસ્તાન'ના લાગ્યા નારા
જમ્મૂ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ મામલામાં UAPA લાદવામાં આવી હોવાને ધ્યાનમાં રાખીને આ બાબત વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. પોતાની ફરિયાદમાં બિન-કાશ્મીરી વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે શરૂઆતમાં હોસ્ટેલમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ 'જીવે જીવે પાકિસ્તાન' (પાકિસ્તાન ઝિંદાબાદ)ના નારા લાગ્યા હતા. જેના કારણે તે અને જમ્મૂ-કાશ્મીર બહારથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા.
શ્રીનગરના અનેક વિસ્તારોમાં ફૂટ્યા હતા ફટાકડા
જણાવી દઈએ કે UAPA હેઠળ ધરપકડ કરાયેલા લોકોને જામીન મળવા મુશ્કેલ છે. જો આ કલમ હેઠળ કોઈની વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે, તો તેના માટે નીચલી અદાલતોમાંથી જામીન મેળવવું ખૂબ મુશ્કેલ છે. ચોંકાવનાર વાત એ છે કે જયારે ઓસ્ટ્રેલિયા સામે ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને હાર મળી ત્યારે શ્રીનગરના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવાની માહિતી સામે આવી હતી. જેના અનેક વીડિયો અને ફોટા પણ સામે આવ્યા હતા.