મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

સૌરભ ચંદ્રાકરને પોતાના ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી

UAEના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે.

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે 1 - image


Mahadev App : મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર (Saurabh Chandrakar)ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું છે. 

UAEના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે

આ અંગે કેટલાક મીડિયા સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દુબઈમાં સૌરભ ચંદ્રાકરને તેમના જ ઠેકાણા પર નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. દુબઈથી મળેલા અહેવાલો અનુસાર સૌરભ ચંદ્રાકરને પોતાના ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જો તેને છોડવામાં આવશે તો તે ભાગી શકે છે. UAEના અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે. દુબઈના સત્તાવાળાઓ ભારતીય અધિકારીઓ દ્વારા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે.

મહાદેવ એપ સટ્ટાબાજીની અડ્ડો બની ગઈ હતી

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. એપનું નેટવર્ક ગેરકાયદેસર સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાઈ ગયું અને છત્તીસગઢમાં સૌથી વધુ ખાતા ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી. ભારતમાં અનેક રાજ્યોના મોટા શહેરોમાં મહાદેવ બેટિંગ એપના લગભગ 30 કોલ સેન્ટર ખોલવામાં આવ્યા હતા.

રવિ ઉપ્પલ મહાદેવ બેટિંગ એપમાં સૌરભ ચંદ્રાકરનો પાર્ટનર છે

આ બેટિંગ એપ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલના બે અત્યંત નજીકના સહયોગીઓ અનિલ દમ્માણી અને સુનીલ દમ્માણીની મદદથી ભારતમાં કાર્યરત હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા.રવિ ઉપ્પલ મહાદેવ બેટિંગ એપમાં સૌરભ ચંદ્રાકરનો પાર્ટનર છે. દાવો કરવામાં આવ્યો છે કે બંને આરોપીઓની કમાણી દર મહિને 90 કરોડ રૂપિયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મહાદેવ એપને પ્રમોટ કરવા માટે ઘણા મોટા બિઝનેસમેન અને બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના સંપર્કમાં હતા.

મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે 2 - image


Google NewsGoogle News