યાગી વાવાઝોડાની ભારતમાં એન્ટ્રી! ઉ. ભારતના અનેક ભાગોમાં વરસાદી માહોલ, IMDનું ઍલર્ટ
Typhoon Yagi: ચીનમાં તબાહી મચાવનાર યાગી (Yagi) વાવાઝોડું થાઇલૅન્ડ, વિયેતનામ અને ફિલિપાઇન્સ થઈને ભારત પહોંચ્યું છે. હવે આ વાવાઝોડાને કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને લો-પ્રેશર સિસ્ટમ સમગ્ર ઉત્તર ભારતને ભીંજવવાનું કામ કરી શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-NCRમાં ભારતીય હવામાન વિભાગ(IMD)એ પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ(IMD)એ દિલ્હી-NCRમાં આગામી બે દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં 11મી અને 14મી સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ચોમાસું જાય ત્યારે વધુ વરસાદ કેમ થાય છે? સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર સુધી ચોમાસું તેની પીછેહઠ પર રહે છે. પરંતુ આ વખતે તે જવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
આ પણ વાંચો: વરસાદ-પૂરથી રસ્તો બંધ થતાં અહીં ગર્ભવતી મહિલાને હેલિકોપ્ટર દ્વારા બ્લડ પહોંચાડ્યું
યાગી વાવાઝોડું બંગાળની ખાડી તરફ ખેંચાયું
હાલમાં ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન છે અને તેની અસર ઉત્તર પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે. આ ડિપ્રેશન બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જેના કારણે વિયેતનામમાં યાગી વાવાઝોડું વધુ સક્રિય થયું હતું અને વાવાઝોડું બંગાળની ખાડીની તરફ ખેંચાયું છે. આ ડિપ્રેશન 8 કિમી/કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર ગ્વાલિયર, આગ્રા, ઝાંસી અને અલીગઢમાં વધુ જોવા મળે છે. આગામી 24 કલાકમાં તે ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. દિલ્હી અને લખનઉના ડોપ્લર રડાર આના પર નજર રાખી રહ્યા છે.
આ વૈશ્વિક સ્તરે ટ્રોપિકલ ઇન્ટ્રાસિઝનલ સર્કુલેશન ધરાવતું હવામાન છે. એટલે કે, આ સમયે પશ્ચિમ પ્રશાંત મહાસાગર પર અનેક ચોમાસાના વર્તુળો રચાય છે. તેનો અર્થ એ કે દરરોજ એક નવી ડિપ્રેશન સિસ્ટમ રચાઈ રહી છે. જેથી ભારતનું ચોમાસું થોડું લાંબુ ટકી શકે છે.