ગરમીનો બે હજાર વર્ષનો રેકોર્ડ તૂટયો ! એશિયા, અમેરિકા, આફ્રિકા... 'અગનભઠ્ઠી'
- સાઉદીમાં હજયાત્રા દરમિયાન હીટસ્ટ્રોકના કારણે 98 ભારતીયો સહિત 1000થી વધુએ જીવ ગુમાવ્યો
- બાલ્કન દેશોમાં વીજળીની ગંભીર અછતથી કરોડો લોકો પરેશાન યુરોપ-એશિયાના અસંખ્ય શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
- મેક્સિકોમાં 'હીટવેવ'થી 125નાં મૃત્યુ,2300ને ડીહાઈડ્રેશનથી સનબર્નનો ભોગ બન્યા: અમેરિકામાં ગરમીથી આઠ કરોડ લોકો પ્રભાવિત
નવી દિલ્હી : દુનિયાભરમાં હીટવેવનો હાહાકાર મચી ગયો છે. એશિયા, આફ્રિકા ઉપરાંત યુરોપના દેશોમાં પણ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી જતાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. ૨૦૦૦ વર્ષથી જેટલી ગરમી પડી નથી એટલી ગરમી આ વર્ષે પડી છે એવું ગ્લોબલ વેધર એક્સપર્ટ કહી રહ્યા છે. અમેરિકામાં આ વર્ષે એટલી અસહ્ય ગરમી પડી કે ૮ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. મેક્સિકોમાં ૧૨૫ સહિત દુનિયામાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે.
ભારત સહિત દુનિયાભરમાં આ વર્ષે તાપમાનના જૂના રેકોર્ડ બધા જ તૂટી ગયા. ચાર ખંડોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. એશિયામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેવા દેશોમાં તો તાપમાનનો રેકોર્ડ તૂટયો જ છે, પરંતુ મધ્યપૂર્વ એશિયાના દેશોમાં તો ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગલ્ફ કન્ટ્રી સાઉદીમાં હજયાત્રા દરમિયાન ૧૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. મક્કામાં સતત તાપમાનનો પારો ૫૨ ડિગ્રી રહેતા લાખો લોકો પરેશાન થઈ ગયા છે.
બાલ્કન સમુદ્રના કાંઠે આવેલા દેશોમાં તાપમાનના કારણે વીજળીની ડિમાન્ડ વધી હતી. પરિણામે હવે ઉનાળો છેલ્લાં તબક્કામાં છે આલ્બાનિયા, બોસ્નિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, રોમાનિયા, સર્બિયા, સ્લોવેનિયા જેવા દેશોમાં વીજળીની ગંભીર અછત સર્જાઈ છે. તેના કારણે લોકોને દિવસ કાઢવો કપરો બન્યો છે. એમાં વળી રાતના ગરમ પવનોએ આ વખતે આ દેશોના લોકોની ઊંઘ ઉડાડી દીધી છે.
આવી જ સ્થિતિ યુરોપ અમેરિકા અને આફ્રિકાની પણ છે. અમેરિકામાં આઠ કરોડથી વધુ લોકો ગરમીથી પરેશાન છે. ન્યૂયોર્કમાં ઠેર-ઠેર લોકો માટે કૂલિંગ સેન્ટર શરૂ કરવા પડયા છે. એરિઝોનામાં ક્યારેય જોવા મળ્યું ન હતું એટલું તાપમાન આ વર્ષે નોંધાયું હતું. તાપમાનનો પારો એરિઝોનાના કેટલાય શહેરોમાં ૪૫ ડિગ્રીને પાર થયો હતો.
મેક્સિકોમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી વળ્યું છે. ત્યાં 'સીવીયર હીટ વેવ'ને લીધે ૧૨૫નાં મૃત્યુ થયાં છે. જ્યારે ૨૩૦૦થી વધુને ડીહાઈડ્રેશન (ઝાડા-ઉલ્ટી) અને સનબર્ન (અત્યંત ગરમીથી ચામડી પર પડેલાં ચાંઠા) થયા છે. દક્ષિણ મેક્સિકોમાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. કર્મચારીઓ વૃદ્ધોને વૃક્ષોની છાયા નીચે કે અન્ય છાયાવાળા વિસ્તારોમાં સાયકલ ઉપર પણ બેસાડી રાહત આપવા પ્રયત્નો કરી રહ્યાં છે. દક્ષિણ મેક્સિકોમાં આવેલાં 'વેરા ક્રૂઝ' પ્રાંતમાં તો લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેઓ પંખા નીચે કે જેની પાસે એરકન્ડીશનર્સ હોય તેઓ એરકન્ડીશનર્સ દ્વારા ગરમીથી બચવા પ્રયત્નો કરે છે. વેરા-ક્રૂઝ શહેર અગનભઠ્ઠી બની ગયું છે. કેનેડાના ચાર પ્રાંતમાં હીટવેવનો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. ગયા વર્ષે આ સમયગાળામાં કેનેડામાં મૃત્યુઆંક નોંધાયો હોવાથી આ વર્ષે એક કરોડ લોકોને ચેતવણી આપવામાં આવી છે.