નૌશેરામાં દેખાયા બે આતંકવાદી, જમ્મુના ચાર વિસ્તારમાં એકસાથે મેગા કોમ્બિંગ ઓપરેશન
Jammu Kashmir Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સ્થળે રિયાસી, કઠુઆ અને ડોડામાં આતંકવાદી હુમલા થયા છે. હવે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં બે આતંકવાદીઓ દેખાયા હોવાનો મામલો સામે આવ્યો છે. સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જમ્મુમાં ચાર સ્થળોએ એકસાથે મેગા કોમ્બિંગ ઓપરેશન આલી રહ્યું છે.
9 જૂને રિયાસીમાં પહેલો હુમલો
સૌથી પહેલા 9 જૂને જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો 9 જૂને સાંજે 6:15 વાગ્યાની આસપાસ થયો હતો. આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ બસ બેકાબુ થઈને ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયેલા હતા.
કઠુઆ હુમલામાં બે આતંકવાદી ઠાર
ત્યારબાદ મંગળવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆના એક ગામમાં આતંકવાદી ઘૂસી આવ્યા હતા. આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશનને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે.
કઠુઆ જિલ્લાના એક ગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોનું ઓપરેશન શરૂ થયું હતું. આ જિલ્લાના હીરાનગર સેક્ટરના સૈદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાદળોના ઓપરેશનમાં CRPFનો એક જવાન પણ શહીદ થયો છે.
કઠુઆમાં મંગળવારે સાંજે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જમ્મુ-કાશ્મીરના બે DIG રેન્ક અને SSP રેન્કના અધિકારીઓની કારને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. આ હુમલામાં આ અધિકારીઓનો માંડ-માંડ બચ્યા હતા.
ડોડામાં પણ થયો હતો આતંકવાદી હુમલો
ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ આતંકીઓએ હુમલો કર્યો હતો. આ ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો હતો. ડોડામાં આતંકવાદીઓએ સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો સહિત કુલ છ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) પણ સામેલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
અચાનક કેમ વધી રહ્યા છે આતંકવાદી હુમલા?
જમ્મુ અને કાશ્મીરમાં આગામી થોડા જ મહિનામાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ વિધાનસભા ચૂંટણી પહેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ભય ફેલાવવા માંગે છે. તેથી આતંકવાદીઓએ તાબડતોડ હુમલાને અંજામ આપ્યો છે.
ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે TRFની ઓફશૂટ હિટ સ્કવોડ જે ફાલ્કન સ્ક્વોડ તરીકે ઓળખાય છે તે આવા હુમલાને અંજામ આપે છે. આતંકવાદીઓની આ ગેંગમાં વિદેશી આતંકવાદીઓ પણ સામેલ છે.