જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અથડામણ, ત્રણ પોલીસ જવાન શહીદ, 5 આતંકી ઠાર
Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંક વિરૂદ્ધ હાથ ધરાયેલા ઓપરેશનમાં શુક્રવારે વધુ બે આતંકીઓના શબ મળી આવ્યા હતા. જેથી આ ઓપરેશનમાં સુરક્ષાકર્મીઓએ કુલ પાંચ આતંકીને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓ જંગલમાં છુપાયા હોવાની બાતમી મળતાં ઓપરેશન હાથ ધરાયું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગઈકાલે જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં થયેલી અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા. જ્યારે ત્રણ પોલીસ જવાન શહીદ થયા હતા. સેનાએ ઘુસણખોરી કરી રહેલા આતંકવાદીઓના એક જૂથને ઘેરવા માટે અભિયાન ઝડપી કરી દીધું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન ફાયરિંગ અને વિસ્ફોટ થયા. એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે તે સન્યાલ જંગલમાં ઘેરાયેલું આતંકવાદી ગ્રુપ હતું કે બોર્ડર પારથી ઘુસેલા નવા આતંકવાદીઓ હતા.
ઘટના રાજબાગના ઘટી જુઠાના વિસ્તારના જખોલે ગામ નજીક બની, જ્યાં અંદાજિત 5 આતંકવાદી છૂપાયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના SOGના નેતૃત્વમાં સેના, BSF અને CRPFએ સંયુક્ત અભિયાન ચલાવીને બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.