ખુશીઓ માતમમાં ફેરવાઈ, ઘરઆંગણે દિવાળી ઉજવતાં કાકા-ભત્રીજાના અંધાધૂંધ ગોળીબારમાં મોત
Crime In Delhi: દિલ્હીના શાહદરામાં દિવાળીની રાત્રે એક જ પરિવારના બેના મૃત્યુથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગુરુવારે (31મી ઓક્ટોબર) પરિવાર તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે બે હથિયારધારી શખસો આવ્યા અને 40 વર્ષીય વ્યક્તિ અને તેના 16 વર્ષના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દીધી. 10 વર્ષના બાળ કિશોર ઈજાગ્રસ્ત થયો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, આ ઘટનામાં આકાશ શર્મા ઉર્ફે છોટુ અને તેના ભત્રીજા ઋષભ શર્માનું મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિશ શર્માનો ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. પીડિત લોકો શાહદરાના ફરશ બજાર વિસ્તારમાં તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમના પર હુમલો થયો હતો. હત્યાના પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે આરોપીએ ગોળી મારતા પહેલા આકાશ શર્માના પગને સ્પર્શ કર્યો હતો. તમામ પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ બે મૃત્યુ પામ્યા હતા.
ઘટનાના સીસીટીવીમાં કેદ
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પીળા કુર્તામાં આકાશ અને ઋષભ શેરીમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન એક સ્કૂટર પર બે લોકો આવે છે અને સ્કૂટર પર બેઠેલી વ્યક્તિ આકાશના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. સ્કૂટર પરથી નીચે ઉતરીને બીજો વ્યક્તિ ઊભો છે. તે અચાનક બંદૂક કાઢીને આકાશને ગોળી મારે છે. ક્રિશને પણ દરવાજાની અંદર ગોળી વાગી છે. ફટાકડા સળગાવી રહેલો ઋષભ કંઈક સમજી શક્યો ત્યાં સુધીમાં સ્કૂટી સવારો ભાગવા લાગ્યા. જ્યારે ઋષભ તેમની પાછળ દોડે છે, ત્યારે તેઓ તેને પણ ગોળી મારીને ફરાર થઈ જાય છે.
આ પણ વાંચો: કેનેડાએ ફરી સણસણતા આરોપ મૂક્યાં, ભારત કરે છે સાઈબર જાસૂસી, સૈન્યની વેબસાઈટ પર કર્યો હુમલો
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, આકાશ શર્મા અને ઋષભ શર્માને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે, જ્યારે ક્રિશ શર્માની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ પરસ્પર દુશ્મનાવટનો મામલો લાગે છે. આ કેસમાં પોલીસે એક સગીરની અટકાયત કરી હતી. હાલમાં પીડિતાના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવશે અને વધુ તપાસ ચાલુ છે.