દિલ્હીના સલૂનમાં ગોળીબાર બેની હત્યા, વીડિયો વાયરલ
- મુંબઇ બાદ દેશની રાજધાનીમાં સનસની હત્યાકાંડ
- ખુલ્લેઆમ હત્યાને અંજામ આપી બન્ને હત્યારા ફરાર, સ્થાનિકોમાં ભયનો માહોલ
નવી દિલ્હી : મુંબઇમાં ખુલ્લેઆમ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. ત્યારે હવે દિલ્હીમાં થયેલી હત્યાએ પણ રાજધાનીમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. ફિલ્મી ઢબે બે હત્યારાઓએ સલૂનમાં ઘૂસીને ખુલ્લેઆમ હત્યાને અંજામ આપ્યો અને ત્યાંથી ફરાર થઇ ગયા. આ સમગ્ર હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ હત્યા દિલ્હીના નઝફગઢમાં એક સલૂનમાં સામે આવી હતી. બે હત્યારાઓ સલૂનમાં ઘૂસ્યા હતા અને આડેધડ ગોળીબાર કરતા બે લોકોના મોત નિપજ્યા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર નઝફગઢમાં આવેલા સલૂનમાં બે લોકો બંદુક લઇને ઘુસ્યા હતા અને ત્યાં હાજર બે લોકોની હત્યા કરીને જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને મુંબઇની જેમ દિલ્હીમાં પણ કથળેલા કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે હાલ સલૂનમાં હત્યાને અંજામ આપનારાઓની શોધખોળ હાથ ધરી છે. જોકે આ હત્યા કેમ કરવામાં આવી તેની કોઇ જાણકારી હજુસુધી પોલીસને નથી મળી શકી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.