રાજસ્થાનના કોટામાં આપઘાતનો સિલસિલો યથાવત્, 24 કલાકમાં વધુ બે વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું
JEE Students Kota: રાજસ્થાનના કોટા શહેરમાંથી ફરી એકવાર વિદ્યાર્થીઓની આપઘાત કર્યાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં કોટામાં સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE)ની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. નોંધનીય છે કે, કોટા શહેરમાં આપઘાતનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ કોટામાંથી વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી ચુકી છે.
મધ્ય પ્રદેશના વિદ્યાર્થીનો આપઘાત
અહેવાલ અનુસાર, કોટાના વિજ્ઞાન નગરમાં જેઈઈની તૈયારી કરી રહેલા 20 વર્ષીય વિદ્યાર્થીએ કથિત રીતે પોતાના રૂમમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીની ઓળખ અભિષેક તરીકે થઈ છે અને તે મધ્ય પ્રદેશના ગુના જિલ્લાનો રહેવાસી હતો. અભિષેક ગયા વર્ષે મે મહિનાથી કોટાની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જેઈઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તે અહીંના વિજ્ઞાન નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડાકનિયા વિસ્તારમાં એક પીજીમાં રહેતો હતો.
19 વર્ષીય વિદ્યાર્થીએ જીવનનો અંત આણ્યો
અગાઉ કોટાના જવાહર નગરમાં, IIT-JEE પરીક્ષાની તૈયારી કરી રહેલા નીરજ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. 19 વિદ્યાર્થી નીરજ હરિયાણાનો રહેવાસી હતો. હોસ્ટેલના માલિકે પોલીસ અને પરિવારના સભ્યોને જાણ કરી કે તેણે ફાંસી લગાવીને આપઘાત કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નીરજે મંગળવારે મોડી સાંજે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી. જ્યારે હોસ્ટેલના કેરટેકરે રૂમનો દરવાજો ખખડાવ્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. આ પછી આપઘાતનો ખુલાસો થયો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, નીરજ છેલ્લા 2 વર્ષથી કોટામાં તૈયારી કરી રહ્યો હતો. તે અભ્યાસમાં સારો હતો અને નિયમિતપણે કોચિંગ ક્લાસમાં જતો હતો. પિતાનો આરોપ છે કે નીરજનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેને આત્મહત્યા જેવો દેખાડવા માટે પંખા સાથે લટકાવી દેવામાં આવ્યો હતો. તેમણે આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.